ગુજરાત ભાજપ માટે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 4 સીટ પર પેટા ચૂંટણી થનાર છે. તે પહેલા જ ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. દ્વારકા વિધાનસભા સીટ પર હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની ઉમેદવારીને અયોગ્ય ગણાવતાં વિધાનસભામાં ભાજપની એક સીટ ઘટી છે. જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી 2017માં ઉમેદવારી ફોર્મણાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે ભૂલ કરી હોય હાઈકોર્ટે તેમને અમાન્ય ગણ્યા છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ આહિરે પબુભા માણેકની 2017માં વિધાનસભામાં થયેલ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અગાઉ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાયે આ કેસમાં સુનાવણી રિઝર્વ રાખી લીધી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પબુભા માણેકે નોમિનેશન ફોર્મમાં પોતાની વિધાનસભા સીટ દ્વારકાનો ઉલ્લેખ કરતાં જ ભૂલી ગયા હતા છતાં ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય કર્યું હતું, બાદમાં વિધાનસભાના રિઝલ્ટને મેરામણભાઈ આહિરે પડકાર્યું હતું. ત્યારે પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ અયોગ્ય હોય વિધાનસભા ચૂંટણીના 2 વર્ષ બાદ હાઈકોર્ટે તેમની યોગ્યતાને અમાન્ય ગણાવી દીધી છે. ત્યારે ગુજરાતની દ્વારકા વિધાનસભા સીટ ખાલી થઈ છે. જો કે આ મામલે ચૂંટણી પંચે હજુ સુધી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી, ત્યારે દ્વારકા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મેરામણભાઇ 2012 થી 2017 દરમ્યાન ખંભાળીયા વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે, અને 2017 માં કોંગ્રેસ દ્વારા તેમને દ્વારકા બેઠક પરથી ટિકિટ અપાઈ હતી જેમાં તેમનો 2800 જેટલા મતોથી પરાજય થયો હતો. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોઈ મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરતા નિર્ણય લેવાયો છે. હવે દ્વારકા વિધાનસભા સીટ પર ફરી ચૂંટણી યોજાશે.