કોરોના સંક્રમિત લોકોનો આંકડો ગુજરાત રાજ્યમાં વધી ન જાય તે માટે સરકારે ટેસ્ટની સંખ્યા ઘટાડી નાખી છે. અમદાવાદમાં નાગરિકો બિમાર થાય અને સારવાર લેવાની જરૂર પડે ત્યારે એવા અનુભવો થયા છે કે, સરકારી સિસ્ટમથી હતાશ થઇ જાય છે. દર્દીને કોરોનાનો ભય લાગતો હોય અને પોતાના ખર્ચે પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા ઈચ્છતો હોય તો પણ સરકાર કોરોનાનો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપતી નથી.
રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટની મંજૂરી પોતાની પાસે રાખીને ખાનગી હોસ્પિટલોના પણ કાંડા કાપી લીધા છે. હકીકતમાં સ્વખર્ચે સારવાર કરાવવા માગતા અને કોરોનાનો ટેસ્ટ કરાવવા માગતા લોકોને સરકાર શા માટે મંજૂરી આપતી નથી? સરકાર આવું કરીને કોરોનાના કેસ ઓછા બતાવવાનો પ્રયત્ન કરશે તો પ્રજાના જીવ જોખમમાં મુકાશે. જે દર્દીને અરજન્ટ સર્જરી કરાવવાની હોય એવા કિસ્સામાં પણ કોરોનાના ટેસ્ટની મંજૂરી ન આવે અને ટેસ્ટ ના થઇ જાય ત્યાં સુધી સર્જરી થઇ શકતી નથી. આ સંજોગોમાં બધી રીતે કોરોનાના ટેસ્ટ પર નિયંત્રણો લાદીને લોકોના જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યા છે.
દર્દીએ 3 કલાકના 8 લાખ આપી સારવારના બદલે મોત મેળવ્યું
કોરોનાના ટેસ્ટ નહીં કરવા દઇને કેસો છુપાવવાથી વૃત્તિથી લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. આવો જ એક અનુભવ અમદાવાદના દાણી લીમડામાં રહેતા શોયેબ મિર્ઝા નામના ડોક્ટરને થયો છે. તેઓ જે હોસ્પિટલ ચલાવે છે ત્યાં કોરોન્ટાઈન સેન્ટર હતું. ગરીબ પેશન્ટની સારવાર થતી હતી. આ સેન્ટર નવા મ્યુનિસિપલ કમિશનરે બંધ કરાવી દીધું છે. મિર્ઝા કહે છે એમના ઓળખીતા એક કોરોના પેશન્ટને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. 8 લાખ એડવાન્સ ભર્યા. સાડા ત્રણ કલાકમાં તે પેશન્ટનું મૃત્યુ થઈ ગયું. માથાકૂટ કરી તો હોસ્પિટલે 3 લાખ પાછા આપ્યા. પરંતુ સાડા ત્રણ કલાકમાં કોઈ સારવાર વિના 5 લાખની ફી હોસ્પિટલ વસૂલે તે ક્યાંનો ન્યાય?’
રિટાયર્ડ આઇપીએસ ઓફિસર રમેશભાઇ સવાણીના મિત્રનો અનુભવ
રિટાયર્ડ આઇપીએસ ઓફિસર રમેશભાઇ સવાણીએ એમના મિત્રનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે, તેમના 51 વર્ષીય મિત્ર હરીશભાઈ મોરડિયા અમદાવાદમાં બિલ્ડર છે. તેમને લાગ્યું કે પોતાની તબિયત બરાબર નથી, આથી તેમણે સિમ્સ હોસ્પિટલનો સંપર્ક કર્યો. હોસ્પિટલે સરકારી પ્રોસિજરની મજબુરીના કારણે કોરોના ટેસ્ટ કરવાની ના પાડી. કેટલાંય ફોન કર્યા તો કેટલીય ભલામણો કરાવી પરંતુ પરિણામ શૂન્ય.
છેવટે નાયબ મુંખ્યમંત્રીને ફોન કર્યો ત્યારે હોસ્પિટલે કોરોના ટેસ્ટ કર્યો. હરીશભાઈ આર્થીક રીતે સધ્ધર છે. હોસ્પિટલનો ખર્ચ પોસાય તેમ છે, છતાંય તેમને કોરોના બીમારી સામેની લડાઈમાં ગાંધીનગર લાગવગ લગાવી સારવાર લેવી પડી હતી. સરકાર આંકડાઓની/પ્રચારની માયાજાળમાંથી ઊંચી આવતી નથી !
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news