હાલ આખાં વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે. ત્યારે આવાં સમયમાં અમદાવાદમાં એક બની રહેલ ઘટના સામે આવી છે. જેમાં રાત્રી કર્ફ્યૂમાં નીકળેલી કલોલના સ્વામિનારાયણ મંદિરના સ્વામીની ફોર્ચ્યુનર કારને પકડવા બદલ વાડજના PIની ગણતરીના કલાકોમાં જ બદલી કરી દેવાઈ હતી.
પોલીસે જયારે ગાડી પકડી ત્યારે તેમાં ડ્રાઇવર સહિત બીજાં 5 લોકો હતા. ગાડીને છોડી દેવા માટે એક ધારાસભ્ય, મંત્રીએ PIને ભલામણ કરી હતી, પરંતુ PI ટસના મસ ન થતા આખરે તેનાં ઉપરી અધિકારીઓની સૂચનાથી PIએ તે ગાડી જવા દીધી હતી. જો, કે ધારાસભ્ય, મંત્રીની વાત ન માનવાનું PIને ભારે પડી ગયું હતં.
વાડજ પોલીસ સ્ટેશનના સેકન્ડ PI R.S.સોલંકી અને PSI પરમાર રાત્રીના સમયે વાડજ સર્કલ પર કર્ફ્યૂનું પાલન કરાવી રહ્યા હતા.આ દરમિયાન ત્યાંથી એક ફોર્ચ્યુનર કાર નીકળી હતી. ગાડીમાં ડ્રાઇવર સહિત બીજા 5 લોકો પણ હતા. કાર રોકતાંની સાથે જ ડ્રાઇવરે પોલીસને જણાવ્યું હતું કે, આ ગાડી કલોલના સ્વામિનારાયણ મંદિરના D.V. સ્વામીની છે. અમે તેમની ફાઇલ બતાવવા માટે ઉસ્માનપુરાની હોસ્પિટલમાં ગયા હતા. પોલીસે ફાઇલ માગતાં પણ તેમની પાસેથી કશું મળ્યું ન હતું. તેથી, કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધવા માટે ગાડીની સાથે આ 6 લોકોને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં આ મામલો સિનિયર PI જે. એ. રાઠવાની સમક્ષ આવ્યો હતો.
આ દરમિયાન ડ્રાઇવરે સ્વામીને ફોન લગાવ્યો હતો અને PI રાઠવાની સાથે વાત કરાવી હતી, જેમાં સ્વામીએ તેમની ગાડી અને એના માણસોને છોડી દેવા માટે કહ્યું હતું, પણ PI માન્યા ન હતા. ત્યારપછી એક ધારાસભ્યે ફોન કરીને ગાડી અને માણસોને છોડી દેવા માટે ભલામણ કરી હતી. આથી, PIએ દંડ ભરાવીને ગાડીને છોડવા કહ્યું હતું. આથી, ધારાસભ્યે તરત જ એક મંત્રીને વાત કરી. તેથી, મંત્રીએ જાતે PI રાઠવાને ફોન કરીને ગાડી છોડી દેવા અને માણસોને જવા દેવા જણાવ્યું હતું, પણ તેમણે મંત્રીની વાતને પણ નકારી હતી.
જો, કે છેવટે ઉપરી અધિકારીઓની સૂચનાથી PI રાઠવાએ ગાડીને છોડી દીધી હતી, પણ બાદમાં વાડજ PI રાઠવાની તાત્કાલિક બદલી કરીને તેમને સ્પેશિયલ બ્રાંચમાં મૂકી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર મામલે મંદિર તરફથી કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દેવાયો હતો.
સ્વામીની ગાડીને છોડી દેવા અને તેમાં બેઠેલા માણસોને છોડી દેવા માટે PI રાઠવાને ફોન પર ધમકીઓ આપતાં કહ્યું હતું કે, ‘ગાડી જવા દો અને સ્વામીની માફી માગી લો.’ તેથી PIએ પણ સામે કહી દીધું કે, ‘મેં કશું ખોટું કર્યુ જ નથી, હું તો માત્ર કાયદાનું પાલન કરાવી રહ્યો છું. એટલે હું માફી તો નહીં જ માગું.’
PIએ કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધી ગાડીને ડિટેન કરવાની વાત કરતા સ્વામીએ ફોન પર જ ધમકી આપતાં કહ્યું હતું કે, ‘તારા IG અને CPને પણ ગાડી પાછી મૂકવા તો આવવું જ પડશે.’ સ્વામી દ્વારા ફોન પર આ પ્રકારની ધમકી અપાતા PI રાઠવાએ પણ મિજાજ ગુમાવ્યો હતો અને તેમણે સામે કહ્યું હતું કે, ‘તમારે જેને કહેવું હોય એને કહી દો, હવે તો ગાડી છૂટશે જ નહીં.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news