૨૦૧૯ ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતાઓએ વિવિધ રેલી અને જાહેર સભાઓમાં મોટે ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જ ટીકા કરી હતી. તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પણ જોરશોરથી વિરોધ કર્યો હતો. નોટબંધી અને GSTના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. બેરોજગારી ભ્રષ્ટાચાર અને ખેડુતો તથા મહિલાઓની સમસ્યા અને મોંઘવારીને લઇને સરકાને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના નેતાઓને એવું હતું કે, વર્તમાન શાસકોની નબળાઇ દેખાડવાથી મતદારો ભાજપથી વિમુખ થઇ જશે અને કોંગ્રેસને મત આપશે.
કોંગ્રેસના મોટા ભાગના નેતાઓએ એવી બડાશો હાંકી હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો મળશે પરંતુ કમનસીબે કોંગ્રેસનું ખાતુ પણ ખુલી શક્યું નથી. કેન્દ્રમાં મોદી સરકારની કામગીરી સરેરાશ રહી છે. નોટબંધી અને GSTને કારણે તેની વિપરિત અસર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર થઇ છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ આ વાસ્તવિક્તા લોકોને સમજાવી શક્યા નથી. લોકોની ખરેખર શું સમસ્યા છે. નાગરિકો શું ઇચ્છે છે વગેરે જેવી બાબતોથી કોંગ્રેસી નેતાઓ અજાણ રહ્યાં હતા.
ટૂંકમાં કોંગ્રેસના નાના મોટા નેતાઓ મતદારોના મનની વાત જાણવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ લોકો સાથે સીધો સંપર્ક પણ રાખ્યો નથી. બીજી બાજુ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતાઓને સંગઠનની તેમજ ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી હતી. પરંતુ યુવા નેતાઓ અંદરો અંદર ઝઘડતા રહ્યાં હતા. જેને લીધે પણ તેઓ વર્તમાન સમયમાં નાગરિકોની સમસ્યા યોગ્ય રીતે સમજી શક્યા નથી. જેને લઇને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં ફરીથી મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસ દ્વારા માત્ર શાબ્દિક હુમલાઓ જ કરવામાં આવ્યા પરંતુ લોકો સાથે સંપર્ક સાધી શક્યા નહી. કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહ્યું જેનો સીધો લાભ ભાજપે ઉઠાવ્યો. ૨૦૧૭ બાદ કોંગ્રેસના કેટલાય નેતાઓની વિકેટો ભાજપે પાડી જેના કારણે કોંગ્રેસને પોતાના જ્ઞાતિ આધારિત સોગઠા ગોઠવવાનો મેળ પડ્યો નહી. કોંગ્રેસના હોદેદારો માત્ર નામ પૂરતા જ સીમિત રહ્યા, પ્રચાર હોય કે લોકોની સમસ્યાનું સમાધાન પણ કોઈ નેતાઓ સક્રિય રહી શક્યા નહી જેના કારણે ૨૦૧૪ કરતા પણ ખરાબ હાલત કોંગ્રેસની થઇ છે તેમ કહી શકાય.