હાલ ચાલતી કોરોના મહામારી દરમિયાન ગાંધીનગરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ શૈલેશભાઈ રાવળની 13 વર્ષીય દીકરી સામાન્ય તાવ બાદ ટાઇફોઇડની બીમારી થતાં અચાનક તેનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. આ દરમિયાન ગઈકાલે તાત્કાલિક અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જતી વખતે પિતાની નજર સામે જ દીકરીએ અંતિમ શ્વાસ લીધા હતાં તેથી રાવળ પરિવાર તેમજ પોલીસબેડામાં શોકનું માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુંજબ, ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથક વિસ્તારના સેક્ટર-23 ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેશભાઈ રાવળના પરિવારમાં પત્ની તેમજ એક દીકરી ખુશી અને એક પુત્ર છે. દીકરી વહાલનો દરિયો હોવાથી તેનો જન્મ થતાં જ રાવળ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. પરિવારમાં દીકરીનો જન્મ થતાં જ ખુશીનો માહોલ આવ્યો હોવાથી શૈલેશભાઈએ તેમની દીકરીનું નામ ખુશી રાખ્યું હતું. ત્યારે ખુશી પણ તેના નામ પ્રમાણે ગુણો ધરાવતી હતી.
પરિવારમાં ખુશી ફેલાવનાર ‘ખુશી’ના અવસાનથી પળભરમાં માતમ છવાયો
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે પિતા શૈલેશભાઇને પોલીસ ફરજના ભાગરૂપે નોકરીએ જવાનું રહેતું હતું. આ દરમિયાન ઉંમર કરતાં વધુ સમજણ ધરાવતી ખુશી તેના પિતાને કોરોનામાં ધ્યાન રાખવા સલાહ પણ આપતી હતી. જ્યારે દેશસેવા પહેલાં એમ શૈલેશભાઈ પરિવારની ચિંતાઓ વચ્ચે પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યા હતા. પરંતુ, કોરોના કોઈનો સગો થતો નથી એ મુજબ આઠમી તારીખે શૈલેશભાઈ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા.
પોલીસ ફરજ નિભાવતી વખતે કોરોના પણ ઘરે આવી પહોંચતાં પરિવારના સભ્યો પણ થોડા ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ આ બધી ચિંતાઓ વચ્ચે ખુશી તેના પિતા શૈલેશભાઇને હિંમત આપતી રહેતી હતી અને પોતાના નાના ભાઈની પણ ખાસ ધ્યાન રાખતી હતી. પરિવારની હૂંફ અને જરૂરી સારવાર મેળવ્યા બાદ શૈલેશભાઈનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ કુદરત કંઈક અલગ જ મંજુર હતું જેથી તેમણે તેમની લાડકવાયી દીકરી ગુમાવી હતી.
13 વર્ષીય ખુશીને ચાર દિવસ અગાઉ સામાન્ય તાવની અસર શરૂ થઈ હતી
જાણવા મળ્યું છે કે, 13 વર્ષીય ખુશીને ચાર દિવસ અગાઉ સામાન્ય તાવની અસર શરૂ થઈ હતી, જેથી શૈલેશભાઈએ દીકરીની સારવાર શરૂ કરાવી દીધી હતી અને તેનો કોરોના રિપોર્ટ પણ કરાવી લીધો હતો. જોકે ખુશીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તાવમાં ખાસ ફરક ન પડતાં તેને માણસાના દવાખાનામાં દાખલ કરી હતી અને તમામ મેડિકલ રિપોર્ટ કરાવતાં ખુશીને ટાઇફોઇડ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, આથી તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રથમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઓક્સિજન લેવલ અચાનક 61 પર આવી ગયું
જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં પણ પ્રાથમિક સારવાર કર્યા બાદ તેની તબિયત નાજુક થઇ જતાં સઘન સારવાર માટે ડોક્ટરો દ્વારા ખુશીને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ જતી વખતે એમ્બ્યુલન્સમાં ખુશીનું ઓક્સિજન લેવલ અચાનક 61 ઉપર આવી જતાં તેણે પિતા શૈલેશભાઇની નજર સામે જ શ્વાસ છોડી દીધા હતા. જે દીકરીના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો તેના અકાળે અવસાનથી રાવળ પરિવારમાં પળભરમાં જ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે ગાંધીનગર જિલ્લા પોલીસબેડામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.