કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. પ્લાઝમા ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. આ દરમિયાન 2020ના વર્ષમાં કોરોનાના પ્રથમ ફેઝમાં પોતાનું ઓક્સીજન માસ્ક દર્દીને આપીને જીવન મરણ વચ્ચે જજુમી 100 દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં સુરતના 39 વર્ષીય એનેસ્થેટીસ્ટ ડો.સંકેત મહેતાએ પ્લાઝમાનું દાન કરીને કોરોનામાં બીજી વખત દર્દીના જીવ બચાવવા આગળ આવીને સમાજને ઉમદા ઉદાહરણ આપ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 9 ઓગસ્ટ 2020 ના રોજ સુરતના BAPS હોસ્પીટલના કોવિડ વિભાગમાં ICU માં રાખેલ એક દર્દી નુ ઓક્સીજન લેવલ અચાનક ઘટવા લાગ્યુ,એના ફેફસા કોરોના સામે હાર માની બેઠા અને ઇન્ટુબેશન કરી વેન્ટીલેટર પર મુકવાની જરુરીયાત ઉભી થઇ, ત્યાંના અનુભવી ડોક્ટર એ પોતાની રીતે બધા પ્રયત્નો કર્યા પણ દર્દી ની સાંકડી શ્વાસનળી મચક આપતી ન હતી. આવા કિસ્સામાં એનેસ્થેટીસ્ટ ડોક્ટર જ નળી નાખવાનુ હુનર ધરાવતા હોય છે. પણ એ ગણતરીની મીનીટોમાં એનેસ્થેટીસ્ટ લાવવા ક્યાથી ? જો 3 થી 5 મીનીટ મા ઇન્ટુબેટ ના થાય તો દર્દી જીવ ગુમાવે તેવી સ્થિતિ હતી.
ત્યારે કોવિડ ICU વિભાગમાં જ કોરોનાથી સંક્રમિત થયેલા અને હાઈ ફ્લો ઓક્સિજન પર કોરોના સામે ઝઝૂમી રહેલા ડો સંકેત મહેતાના કાન સુધી આ વાત પહોંચી. ડો.સંકેત આ દર્દી માટે ભગવાન બનીને આવ્યા. પોતે સક્ષમ ના હોવા છતાં પણ પોતાની ડોક્ટર તરીકેની ફરજ નિભાવવા માટે તેઓ પોતાના શરીરમાં જેટલી હતી એટલી શક્તિને કેન્દ્રિત કરીને ઉભા થયા અને દર્દી સુધી પહોંચ્યા અને દર્દી ને ઇન્ટુબેટ કરી તેનો જીવ બચાવ્યો. ડૉ.મહેતા પહેલા BAPS હોસ્પિટલમાં ફરજ બજાવી ચુક્યા હતા અને કોરોના સંક્રમિત થયા હોવાથી સારવાર હેઠળ BAPS હોસ્પિટલમાં જ દાખલ થયા હતા. ડોક્ટર સંકેત આ દર્દી માટે સાચા અર્થમાં મસિહા સાબિત થયા. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 200 જેટલા ડૉક્ટરોએ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતાનો જીવ ગુમાવ્યો છે
સુરતના પાલ વિસ્તારમાં રહેતાં અને લાઈફલાઈન હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તરીકે ફરજ નિભાવતા ડો.સંકેત મહેતાએ જણાવ્યું હતું કે, ડૉ.સંકેતની કોરોનાની સારવાર દરમિયાન પડછાયાની જેમ સાથે રહેલા એનેસ્થેટીસ્ટ ડો.જયેશ ઠકરાર દ્વારા પણ આજે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું હતું.
સુરત એનેસ્થેટીસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો.જયેશ ઠકરારે જણાવ્યું હતું કે, કોવિડના પહેલાં ફેઝમાં ડો.સંકેતે બાપ્સ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં અન્ય ગંભીર દર્દીનો જીવ બચાવવા ઉભા થઈને પોતાનું હાઈ લેવલ ઓક્સિજન માસ્ક હટાવી દર્દીને ઈન્ટ્યુબેશન કરાવ્યું હતું. ઈન્ટ્યુબેશન માત્ર એનેસ્થેટીસ્ટ ડોક્ટર જ કરી શકે છે.
જાણવા મળ્યું છે કે, આ પ્રેરક કદમથી 10 મિનિટ સુધી તેઓ ઓક્સિજન વિના રહ્યાં હતાં, જેથી તેમની શારીરિક હાલત વધુ બગડી હતી. ત્યારબાદ ક્રિટીકલ સ્થિતિમાં હોવાથી તેમને ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતાં. એક સમયે તેમને લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી.
જેથી દેશભરમાં માત્ર ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં જ લંગ ટ્રાન્સપ્લાન્ટ થતું હોવાથી અદ્યતન એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન-ECMO અને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઈ લઈ જવાયા હતાં. પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો આવતાં લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી ન હતી.
નવી સિવિલ બ્લડ બેંકના ઈન્ચાર્જ ડો. મયુર જરગે જણાવ્યું હતું કે, પ્લાઝમા ડોનેટ કરનાર ડો.સંકેત મહેતાએ અન્ય દર્દીનો જીવ બચાવીને પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. કોઈ પણ પ્રતિકુળ સંજોગોનું નિર્માણ થાય તો પણ ડોકટરો પોતાનો તબીબી ધર્મ નિભાવવામાં પીછેહઠ કરતાં નથી. એ ડો.સંકેતે સાબિત કરી બતાવ્યું છે.
હવે ફરી એક વાર પ્લાઝમા દાન સ્વરૂપે તેમણે પોતાની નૈતિક ફરજ નિભાવી છે. વધુમાં જાણવા મળ્યું છે કે, ડો. સંકેતના પરિવારમાં પત્ની, એક પુત્રી અને પિતા છે. તેમના પરિવારજનોએ પણ પ્લાઝમા ડોનેટ કરવાં તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. નવી સિવિલ બ્લડ બેંકના ઈ.ડો.મયુર જરગે જણાવ્યું કે, હાલ કોરોનાનો બીજા તબક્કો ગંભીર છે ત્યારે વધુમાં વધુ લોકો પ્લાઝમાનું દાન આપે તે જરૂરી છે.
જે વ્યકિત 28 દિવસ પહેલા કોવિડથી સ્વસ્થ થયા હોય ઉપરાંત જે વ્યકિતએ વેકસીન લીધી હોય તેઓ 30 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ માટે આસિ.પ્રોફેસર ડો.જિતેન્દ્ર પટેલ, બી.ટી.ઓ. સંગીતા વિઠલાણી, કાઉન્સેલર કાજલ પરમહંસ સેવાઓ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.