આમ તો ગુજરાત(Gujarat) વિકાસશીલ રાજ્ય(Developing state) ગણાય છે. પરંતુ હજુ પણ એવા ઘણા ગામડાઓ છે કે જ્યાં જીવન માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ હોતી નથી. જેમ કે, નર્મદા(Narmada) જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલાં અનેક ગામડાઓ હજી પણ માળખાકીય સુવિધાઓથી વંચિત જોવા મળી રહયાં છે. તે સ્પષ્ટ પણે દર્શાવતો કિસ્સો હાલ સામે આવ્યો છે.
ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં રહેતી 75 વર્ષીય વૃધ્ધા બિમાર પડતાં તેને ઝોળીમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. વૃધ્ધાના પુત્રએ સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ આ અંગે જાણ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
સરકારના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા:
આ એક નહિ, પરંતુ આવી અનેક સમસ્યાઓનો સમજો ગ્રામજનોએ કરવો પડતો હોય છે. નર્મદા જીલ્લામાં વરસાદનો પ્રારંભ થઇ ગયો છે અને હજુ માંડ 20 ટકા વરસાદ પડ્યો છે તેમાં સરકારના વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઝરવાણી સહિતના અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામોના રસ્તા ધોવાઈ જતાં વાહનો જઇ શકે તેવી સ્થિતિમાં નથી. જ્યાં બીજી તરફ દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવમાં આવી રહી છે તથા પ્રધાનમંત્રીના 8 વર્ષના સુશાસનની ઉજવણીની વાતો લોકો સુધી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય રહયો છે.
75 વર્ષીય માતા બીમાર પડતાં દવાખાને લઇ જવા મૂંઝવણ:
મળતી માહિતી અનુસાર, નર્મદાના અંતરિયાળ ગામડાઓમાં માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યાં પાકા રસ્તા અથવા નદીઓ પર પુલના અભાવે લોકોને ચારથી પાંચ કીમી ચાલીને મુખ્ય રસ્તા સુધી આવવું પડે છે અને આવામાં ગામમાં કોઇ બીમાર પડે તો તેને ઝોળી બનાવી તેમાં નાંખી દવાખાને પહોંચાડવાની ફરજ પડતી હોય છે.
ત્યારે આ સ્થિતિને લોકો સમક્ષ લાવવા માટે ઝરવાણી ગામના યુવકે સોશિયલ મીડિયામાં વિડીઓએ વાયરલ કરી હતી. જેના દ્વારા તેણે સરકારને આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ બતાવવાની કોશિશ કરી હતી. ઝરવાણીના ઉખાકુંડ ફળિયામાં રહેતા ધીરજ વસાવાના 75 વર્ષીય માતા બિમાર પડતાં તેમને દવાખાને લઇ જવાનો પ્રશ્ન ઉભો થયો હતો. આખરે ગામના યુવાને પોતાની માતા બીમાર પડતા શ્રવણની જેમ કાવડ જેવી ઝોળી બનાવી દવાખાનામાં સારવાર માટે લાવ્યા હતાં. કારણ કે ત્યાં 108 પણ જઈ શકતી નથી.
ગામના અમુક ફળિયામાં વાહન આવી શકે તેવી સ્થિતિ નથી:
આ અંગે બીમાર માતાના પુત્ર ધીરજ વસાવાએ જણાવ્યું હતું કે, મારી 75 વર્ષીય માતા દેવકીબેન બીમાર પડતાં તેને દવાખાને લઇ જવી પડે તેમ હતું. અમારા ગામમાં વાહન આવી શકે તેમ નહિ હોવાથી અમે ઝોળી બનાવી અને નદી ઓળંગી મુખ્ય રસ્તા પર પહોંચ્યાં હતાં. જયાંથી અન્ય વાહનમાં બેસાડીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં છે. વર્ષોથી અમારા ફળિયામાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
છૂટાછવાયા ફળિયા હોવાના કારણે સમસ્યા ઊભી થઈ:
મળતી માહિતી અનુસાર, કેવડિયાથી માત્ર સાત કીમીના અંતરે ઝરવાણી આવેલું છે. ઝરવાણી ગામને હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહયું છે. ગામમાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે પણ ડુંગરો ઉપર છુટાછવાયા ફળિયા હોવાથી આ સમસ્યા ઊભી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.