રાજકોટ(Rajkot): શહેરમાં છેતરપીંડી (Fraud)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા ઇલેક્ટ્રીક બાઈક (Electric bike)ની એજન્સી આપવાના બહાને છેતરપિંડી કરનારા બિહારના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ આ ઘટનાને અંજામ આપવા માટે જે કર્યું તે પણ ખુબ ચોકાવનારું છે. તો ચાલો જાણીએ…
આવી રીતે વેપારીને ફસાવ્યો:
આ અંગે છેતરપીંડીનો ભોગ બનેલા મહેશભાઈ કોટડીયા નામના વેપારીએ પોલીસને જાણ કરી હતી કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રીક બાઈકની એજન્સી આપવાની છે તે પ્રકારની તેમને માહિતી મળી હતી. જે માહિતીને લાઈક કરતા જ તેમને સામેથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ ઈલેક્ટ્રીક બાઈકની કંપનીનો મેનેજર બોલતો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો તમારે ડીલરશીપ લેવી હોય તો તમે કંપનીના ઇ-મેલ એડ્રેસ પર તમારા ડોક્યુમેન્ટ મોકલી આપો. ત્યાર બાદ ફરિયાદીએ કંપનીના ઇ-મેલ આઇડી પર ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. કંપનીના મેનેજર તરીકે વાત કરનારા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તમારે અમુક રકમ જમા કરાવી પડશે. તેમ કહી જુદા-જુદા બેંકના એકાઉન્ટ નંબર ફરિયાદીને મોકલી આપ્યા હતા.
26 લાખ ડિપોઝીટ કરાવી દીધા:
આ પછી ફરિયાદી દ્વારા ટુકડે-ટુકડે કરી કુલ 26 લાખથી પણ વધુની રકમ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કરાવવામાં આવી હતી. ત્યારબાદ કંપનીમાંથી ડીલરશીપ આપવા બાબતે કોઈપણ પ્રકારના ફોન આવતા ન હતા. જેને પગલે ફરિયાદીએ સામેથી ફોન કર્યો હતો. પરંતુ જ્યારે ફોન કર્યો ત્યારે નંબર અસ્તિત્વમાં ન હોય તે પ્રકારનો મેસેજ તેમને મળ્યો હતો. આ રીતે યુવકો દ્વારા છેતરપીંડી આચરવામાં આવી હતી.
લોકેશનના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા:
ત્યારબાદ ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં લોકેશન બિહારનું મળી આવ્યું હતું. આ પછી રાજકોટ પોલીસે બિહારના અનિલ ધનેશ્વર બીંદે, સેતેન્દ્ર કુમાર અને અવિનાશ કુમારને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઝડપાયેલી ટોળકીએ કોઈ વધુ ગુના આચર્યા છે કે કેમ? તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.