મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત- અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવશે વિશાળ યાત્રી ભવન

Ayodhya Ram Mandir: કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર(Ayodhya Ram Mandir) નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભગવાનની રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે. એટલું જ નહીં, વડાપ્રધાનએ વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્ય સૂત્રને પણ સાકાર કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહી ની માહિતી મેળવી હતી.તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિર માં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.

અત્ર ઉલેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા દાયી ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *