ગીર સોમનાથ(ગુજરાત): આજકાલ રાજ્યમાં આપઘાતના કિસ્સા સતત વધી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાનીના કારણે આત્મહત્યા કરતા હોય છે. આ દરમિયાન, આજે ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી એક રહસ્યમય આપઘાતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સાજણ નગરમાં એક યુવાને આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ યુવાને પહેલા મહિલાનો પહેરવેશ પહેર્યો અને બાદમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, ઉનાના સાજણ નગરમાં તરૂણ નંદવાણા નામના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા યુવાને આજે પોતાના ઘરે પોતાના રૂમમાં મહિલાનો પહેરવેશ પહેરી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી છે. માતા-પિતાએ તેના રૂમનો દરવાજો ખોલ્યો તો તેઓ આશ્ચર્ય સાથે શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક વ્હાલસોયા દીકરાને પાડોશીઓની મદદ લઈ નીચે ઉતારવાની તજવીજ હાથ ધરી પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. આ મામલે યુવાનના પરિજને જણાવ્યું હતું કે, રૂમનો દરવાજો બંધ કરી યુવાને આપઘાત કર્યો છે. તેણે મોબાઈલ ગેમમાં કોઈ લેવલ પાર કરવાને લઈ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ મામલે પોલીસ દ્વારા મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો જ યોગ્ય હકિકત સામે આવી શકે છે.
હાલમાં આ આપઘાતને લઈને પ્રશ્ન ઉદ્ભવે છે કે, યુવાને આપઘાત કરતા પહેલા મહિલાનો પહેરવેશ કેમ પહેર્યો? આ મામલે પોલીસને પ્રાથમિત પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, શંકા છે કે 16 વર્ષીય યુવાન મોબાઈલ ગેમના રવાડે ચઢી ગયો હતો અને મોબાઈલમાં ગેમના લેવલ પ્રમાણે તેણે મહિલાનો પહેરવેશ પહેર્યો હશે અને બાદમાં ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હશે. પોલીસ દ્વારા હાલમાં આપઘાત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાને મહિલાનો પહેરવેશ પહેરી આપઘાત કરતા તેના મોતનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. હાલ મોબાઈલ ગેમે યુવાનનો ભોગ લીધો છે? કે કોઈ અન્ય કારણ આની પાછળ જવાબદાર છે. આ દીશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.