ગાંધીનગર(Gandhinagar): કલોલ(Kalol)માં ભજીયાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા ઠાકોર યુવકને ચાર લાખ રૂપિયાનું દેવું થઈ જતાં વ્યાજખોરો(Usury)ના ત્રાસથી કંટાળીને કેનાલમાં ઝંપલાવી પોતાના જીવનનો અંત આણ્યો હતો. યુવકના મોતને કારણે તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને આજુબાજુમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે વ્યાજખોરો સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને લઈને પ્રાપ્ત થતી વિગતો મુજબ, કલોલમાં આવેલા ગાયોના ટેકરા પાસે મોટા ઠાકોરવાસમાં રહેતો વિનોદજી ઠાકોર નામનો યુવક ભજીયાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિનોદજી ઠાકોરને ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઊભી થતા કેટલાક લોકો પાસેથી તેમણે વ્યાજે પૈસા લીધા હતા અને તે આ લોકોને તે પૈસાનું વ્યાજ પણ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરો તેની પાસેથી વધુ વ્યાજ અને પેનલ્ટી જેવી વગેરે બાબતો એ પઠાણી ઉઘરાણી કરી તેને બહુ જ ત્રાસ આપતા હતા. જેથી આ યુવક અંદરો અંદર ભાંગી પડ્યો હતો અને તેણે પોતાના જીવનનું અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગઈ તારીખ 19 ના રોજ તે પોતાના ઘરેથી નીકળીને રામનગર ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવીને જિંદગીનો અંત આણ્યો હતો. યુવકનો મૃતદેહ કડી તાલુકાના કરણનગરની કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક વિનોદજી ઠાકોરના ખિસ્સામાંથી વ્યાજખોરોના હિસાબ અને નામ સાથેની એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં પોતાના ઉપર ચાર લાખનું દેવું હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોતાના પરિવારને હેરાન નહીં કરવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ, વિનોદજી ઠાકોરને વ્યાજખોરો હેરાન પરેશાન કરી ખુબ જ ત્રાસ આપતા હતા અને અવારનવાર આવીને ધમકી પણ દેતા હતા. હાલમાં તો સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.