સુરત(ગુજરાત): તાજેતરમાં સુરતમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. વેસુ વીઆઈપી રોડ ઉપર મિત્રો સાથે કોફી પીવા ગયેલા યુવકને ઉમરા પોલીસે ડિટેઈન કરી માર મારીને મરણ પથારીએ પહોંચાડી દીધાનો યુવકના પરિવારના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી બાજુ પોલીસના કહેવા અનુસાર યુવાનની અટકાયત બાદ તે ચાલુ ગાડીમાંથી નીચે કૂદી ગયો હતો. સુરતના વરીયાવી બજાર પાલીયા ગ્રાઉન્ડ નજીક ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સમીર કામિલ અંસારી નામનો યુવાન હાલ સુરતના ઉધના દરવાજા વિસ્તારની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં માથાના ઓપરેશન બાદ હાલ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. સમીર અંસારીના પરિવારોના આક્ષેપ છે કે, તેની આ હાલત ઉમરા પોલીસના પોલીસકર્મીઓ નિતેશ અને ધનસુખના માર મારવાના કારણે થઈ છે.
મળતી માહિતી મુજબ, 22 વર્ષીય યુવાન સમીર ગયા ગુરૂવારના રોજ પોતાના મિત્રો સાથે વેસુ વીઆઈપી રોડ પર આવેલા એક કૉફી શોપમાં કૉફી પીવા માટે હતો. આ દરમિયાન, કૉફી શોપની બહાર ટ્રાફિકજામ હોવાથી ઉમરા પોલીસના પોલીસકર્મી નિતેશ અને ધનસુખ પોલીસ વાહન સાથે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા ત્યાં ઉભેલા તમામ યુવાઓ સાથે ગાળાગાળી કરી ભયનો માહોલ ઊભો કરતા ભાગદોડ મચી જવા પામી હતી. ત્યારે કૉફી શોપમાંથી બહાર નીકળી રહેલા સમીર અન્સારી તેમના હાથે ચડી જતા પોલીસ દ્વારા તેની સાથે પણ ગાળાગાળી કરવામાં આવી હતી અને તેને પોલીસવાનમાં બેસાડી દીધો હતો.
આ દરમિયાન, તેના મિત્રો પણ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. અડધા કલાક પછી સમીરના મોબાઈલ પર ફોન કરતા પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, સમીર ચાલુ વાનમાંથી નીચે કૂદી જતા ઘાયલ થયો છે જેથી અમે તેને સિવિલ હૉસ્પિટલ લઈ જઈએ છીએ. બીજી બાજુ સમીરના પરિવારજનોનું કહેવું છે કે, પોલીસ દ્વારા સમીરને માર મારવામાં આવ્યો છે. સમીરના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તે બેભાન થઇ ગયો હતો. હાલ તે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન અને બાદ વિવિધ પ્રતિબંધો દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણના બનાવો ઘણા વધ્યા છે. આ ઉપરાંત, સુરતમાં તો પોલીસ કસ્ટડીમાં અનેક યુવાનો સાથે અત્યાચારના બનાવો પણ સામે આવ્યા છે. આ કેસમાં હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી બાજુ હોસ્પિટલની પથારીએ પડેલા સમીરને ન્યાય માટે સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સમીરના નામે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.