લોકસભા ચૂંટણી 2024: AAP અને કોંગ્રેસનું ગઠબંધન જાહેર: જાણો ગુજરાતમાં કોણ લડશે ચૂંટણી

AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણી અંગેના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP-Congress Alliance) વચ્ચે ગુજરાતની 26 બેઠકોને લઈ ગઠબંધન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ 24 બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે AAP ને ભરૂચ અને ભાવનગરની બેઠક ફાળવવામાં આવી શકે છે.

છેલ્લા ઘણાં સમયથી આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલાં બેઠકોનું ખેંચતાણ ચાલી રહ્યું છે. જેના માટે આખરે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સૌથી વધુ ચર્ચા ચૈતર વસાવાની ઉમેદવારી અંગે થઈ રહ્યું હતું, જેમાં AAP અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ભરૂચ બેઠકથી ચૂંટણી લડી શકે છે.

ભરૂચ, ભાવનગર બેઠક AAPના ફાળે
જ્યારે કોંગ્રેસના સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પોતાની પ્રતિક્રિયા ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું કે, છેલ્લી લડાઈ સુધી સન્માન સાથે લડીશું અને લડતા રહીશું. આ અંગે ગઠબંધનના ઉમેદવાર બાદ કોંગ્રેસમાં વિવાદ વધી શકે છે. આ તરફ કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, અમે અમારો મત રજૂ કર્યો છે. નિર્ણય મોવડીમંડળ દિલ્હીમાં કરશે.

આપ નેતાઓએ પ્રતિક્રિયા આપી
ગઠબંધન મુદ્દે AAP પ્રમુખ ઇસુદાન ગઢવીનું નિવેદન આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થયું છે. આ માટે INDIA ગઠબંધન મજબૂતાઇથી લડશે. તેમજ આ લોકસભા ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠક નહી જીતી શકે. આ તરફ AAP ઉમેદવાર ચૈતર વસાવાનું નિવેદનમાં જણાવ્યું કે, ભરૂચ બેઠક પરથી અમારી જીત થશે. લોકસભાની ચૂંટણી AAP અને કોંગ્રેસ સાથે લડશે. તમામ માટે અવાજ બનીશ અને લોકો માટે કામ કરતાં રહીશું. આ માટે ભરૂચ લોકસભામાં યાત્રા શરૂ કરી છે.

24 બેઠકો પર કોંગ્રેસ લડશે ચૂંટણી
આમ આદમી પાર્ટીએ હાલમાં ગુજરાતની બે લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યાં છે હવે બન્ને પાર્ટીઓ વચ્ચે ડીલ થઈ છે એટલે કે આમ આદમી પાર્ટી બાકીની 24 બેઠકો પણ ઉમેદવારો નહીં ઉતારે આવી સ્થિતિમાં કોંગ્રેસ 24 બેઠકો પર ઉમેદવારો ઉતારીને ભાજપ સામે મુકાબલો કરશે.

અન્ય રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ ગઠબંધન
તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયા બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતું જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, આ ગઠબંધન માત્ર દિલ્હી પુરતું સીમિત નહીં રહે, પરંતુ બંને પાર્ટીઓ ગુજરાત, ગોવા, હરિયાણા અને ચંદીગઢમાં પણ સાથે ચૂંટણી લડશે. પંજાબમાં બંને પક્ષો પરસ્પર સહમતિથી અલગ-અલગ ચૂંટણી લડશે.