ગુજરાત(Gujarat): ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદર(Visavadar) બેઠક પરથી AAPની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી(Bhupat Bhayani) આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે. અમે તમને જણાવી દઈએ કે, 2 દિવસ પહેલા જાહેર થયેલા પરિણામમાં વિસાવદરથી AAPના ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી.
અત્રે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસ દ્વારા કરશન વડોદરિયાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવી રહ્યા છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ જ પાર્ટી છોડી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે આજે AAP છોડીને ફરી ઘરવાપસી કરશે.
બપોરે 2 વાગ્યે ભાજપમાં જોડાશે:
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે અને કમલમમાં બપોરે 2 વાગ્યે કેસરીયો ધારણ કરશે. શપથ વિધિના એક દિવસ અગાઉ જ ધારાસભ્ય દ્વારા પક્ષ પલટો થતા રાજકીય માહોલ ગરમાય ગયો છે.
ભૂપેન્દ્ર પટેલ ફરી બનશે ગુજરાતના મુખ્યમંત્રી:
ગઈકાલે ભાજપ વિધાયક દળની મીટિંગ બાદ સર્વસંમત્તિથી ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે સ્વીકારી લીધેલ છે, ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રાજ્યપાલ પાસે જઇને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. 12 ડિસેમ્બરનાં રોજ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી મુખ્યમંત્રી પદનાશપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલની સરકારનાં મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને મળી શકે છે સ્થાન:
એક અનુમાન મુજબ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાના મંત્રીમંડળમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન આપી શકે છે. જે પૈકી 9 કેબિનેટ મંત્રી અને બાકી રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.