વર્ષ 2016થી 2018 દરમિયાન દેશના અંદાજે 50 લાખ લોકોની નોકરીઓ જતી રહી છે. વર્ષ 2016માં વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા દેશમાં નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને રૂ. 1000-500ની નોટો ચલણમાંથી કાઢી નાખવામાં આવી હતી. બેંગલુરુમાં આવેલી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016થી 2018 દરમિયાન 50 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.
20-24 વર્ષના યુવાનો વધુ બેરોજગાર બન્યાં- રિપોર્ટઃ
નોંધનીય છે કે,બેરોજગારીમાં વધારો થવાની શરૂઆત નોટબંધીના સમયગાળામાં જ થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાની નોકરી ગુમાવનાર 50 લાખ પુરુષોમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના ઓછા શિક્ષીત પુરુષોની સંખ્યા વધારે છે. આ આધાર પર તારણ કાઢવામાં આવ્યું છે કે, નોટબંધીમાં સૌથી વધુ અસંગઠિત વિસ્તારના લોકો બેરોજગાર બન્યા છે. આ ઉપરાંત રિપોર્ટમાં ભવિષ્યમાં પણ રોજગારી ઉભી થવામાં તકલીફ થવાની વાત કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, નોટબંધી પછી થયેલી સ્થિતિમાં હજી કોઈ સુધારો થયો નથી. આ ઉપરાંત રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, 20-24 વર્ષના લોકો સૌથી વધારે બેરોજગાર બન્યા છે. નોટબંધીની પુરુષો કરતાં મહિલાઓને વધારે અસર થઈ છે.
રિપોર્ટમાં માત્ર પુરૂષોના આંકડાઓનો સમાવેશઃ
વર્ષ 2016 અને 2018 દરમિયાન ભારતમાં કામ કરતાં પુરુષોની સંખ્યામાં 16.1 મિલિયનનો વધારો થયો છે. જ્યારે તેનાથી ઉલટું આ સમયગાળામાં ડબ્લ્યુપીઆરની માત્રામાં 5 મિલિયન નોકરીઓને નુકસાન થયું છે. નોંધનીય છે કે, આ રિપોર્ટમાં અત્યાર સુધી માત્ર પુરુષોના આંકડાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ રિપોર્ટમાં મહિલાઓની સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હોત તો બેરોજગારીની સંખ્યામાં વધારો થયો હોત તે ચોક્કસ છે.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ રિપોર્ટ સામે આવવાથી વિરોધી પાર્ટીઓને સરકાર સામે પ્રહાર કરવાનો વધુ એક મોકો મળી ગયો છે. એમ પણ વિરોધી પાર્ટીઓ ઘણાં સમયથી બેરોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરે છે.