હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પરિવારમાં જ હત્યા કરવી એ તો જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, જૂનાગઢ (Junagadh)ના ભેંસાણ (Bhensan)ના નવા વાઘણીયા(Vaghania) ગામે માતાના અવસાન બાદ તેમનું ચાલીસમું કેવી રીતે કરવું તે માટે પરિવાર એકઠો થયો હતો. આ દરમિયાન બે ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં પરિવારના મોટા ભાઈ અને તેના ત્રણ પુત્રોએ નાના ભાઈને લાકડી અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતા નાના ભાઈનું મોત થયું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ:
મળતી માહિતી અનુસાર, કાળુભાઈ બચુભાઈ સિપાઈ ભેંસાણના નવા વાઘણીયા ગામે રહે છે. તેમની માતા આલમબેનનું તા.24 જુલાઈના રોજ એટલે કે, એક માસ પહેલા જ અવસાન થયું હતુ., અવસાન બાદ તા.28 ઓગસ્ટના રોજ તેમનું ચાલીસમું કરવાનું નક્કી થયુ હતું. જે બાબતે ગઈકાલે રાતે પરિવારના સૌ ભાઈઓ અને સભ્યો ગામના મદ્રેશામાં ભેગા થયા હતા.
આ અંગેની ચર્ચામાં પરિવારના મોટા ભાઈ જમાલભાઈ બચુભાઈ સિપાઈએ કહ્યું કે, તમો બધા પૈસા ભેગા કરી આપી દો એટલે હું ચાલીસમું કરી નાખીશ, પરંતુ આ બાબતનો કાળુભાઈએ વિરોધ કર્યો હતો, અને જણાવ્યું કે, તમો એકલા કહો તેમ ન ચાલે બધા ભાઈઓ નક્કી કરે તેમ થશે. ત્યારે માથાકૂટ થતા બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે બાદ ત્યાં હાજર લોકોએ છોડાવ્યો હતો.
મોટાભાઈ અને તેના પુત્રોએ નાના ભાઈ પર હુમલો કર્યો:
ત્યારબાદ જમાલ ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ થોડીવાર પછી જમાલ તેમજ તેના ત્રણ પુત્રો ઈબ્રાહીમ, રીઝવાન, અને અમિન હાથમાં લોખંડના પાઈપ અને લાકડી લઈને ઘસી આવી કાળુભાઈ ઉપર હુમલો કર્યો હતો. તેમજ માથામાં તેમજ શરીરે આડેધડ જીવલેણ ઘા ઝીકીને નાસી ગયા હતા. આ હુમલામાં કાળુભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોચી હતી. જેથી તેમને સારવાર અર્થે પ્રથમ ભેંસાણ અને ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી:
આ અંગે મરનાર કાળુભાઈના પુત્ર ઇમરાન સિપાઈ (24) એ ભેંસાણ પોલીસમાં જમાલ અને તેના ત્રણ પુત્રો ઈબ્રાહીમ, રીઝવાન અને અમીન સામે હત્યા મામલે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.