‘આપ’ ની પરિવર્તન યાત્રા બાદ ગુજરાતભરમાં કાઢવામાં આવશે ‘રોજગાર ગેરંટી યાત્રા’

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, બેરોજગાર યુવાનોની જે વ્યથા છે, વેદના છે તેનું કેમનું નિરાકરણ આવી શકે તે માટે અમે તારીખ 25 ઓગસ્ટ, 2022ના રોજ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ‘રોજગાર ગેરંટી યાત્રા’ ગુજરાતના 3 જિલ્લાઓમાંથી નીકળશે, તેમાં 11 દિવસનો કાર્યક્રમ રહેશે અને 21 વિધાનસભાના ક્ષેત્રો તેમાં સામેલ કરવામાં આવશે. આ 11 દિવસમાં અમે 42 કાર્યક્રમો યોજીશું અને યુવાનોની રોજગાર સંબંધિત વ્યથા સાંભળીશું. અને તેની સાથે જ ગુજરાતમાં હાલમાં જે યુવાનો બેરોજગાર છે તેની નોંધણી કરીશું આમ અમે ઉત્તર ગુજરાતમાં ‘બેરોજગાર નોંધણી મેળો’ શરૂ કરીશું. 11 દિવસીય ‘રોજગાર ગેરંટી યાત્રા’ મોતીપુરા સર્કલ, હિંમતનગર થી શરુ થઈને વારાહી, પાટણમાં પૂર્ણ થશે.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના યુવાનો માટે જે રોજગારનું ગેરંટી કાર્ડ આપ્યું છે તેની જાણકારી ગુજરાતના દરેક યુવાનો, દરેક ગામડાઓ, દરેક શહેરો સુધી પહોંચાડીશું. ભાજપ દ્વારા લોકોને જે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે, તેના વિષે લોકોને સાચી માહિતી આપીશું કે, કેવી રીતે 10,00,000 સરકારી નોકરી શક્ય છે.

ગુજરાતમાં જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તે કઈ રીતે પારદર્શિતા પૂર્વક લઇ શકાય છે તેની માહિતી લોકોને આપીશું. અને અત્યાર સુધી ભૂતકાળની પરીક્ષાઓમાં 12 પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના સામે આવી છે જેમાં ભાજપના મળતીયાઓ સામેલ છે અને તેના પર હજી સુધી કોઈ જ એકશન લેવામાં આવ્યા નથી, તેના પર જલ્દીથી એકશન લેવામાં આવે તેવી ગુજરાતના દરેક યુવાનોની માંગણી રહેશે. અત્યારે ગુજરાતમાં જે બેરોજગારી દર છે તે ખોટો દર્શાવામાં આવી રહ્યો છે. બેનરો ઉપર જે દેખાડવામાં આવે છે અને ગ્રાઉન્ડ રિયાલિટી છે તે અલગ છે જેથી અમે બેરોજગારોની ખરેખરમાં જે પરિસ્થિતિ છે તેનું આંકલન કરીશું.

ગુજરાતમાં દરેક ગામડે, તાલુકે અને શહેરોમાં જે બેરોજગારો છે, તેની સંપૂર્ણ નોંધણી લેવામાં આવશે જેથી 2022માં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બને ત્યારે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવી શકાય. જે પણ યુવાનો બેરોજગાર છે તેમને કેવી રીતે રોજગારી આપી શકાય એ જ અમારું લક્ષ્ય રહેશે. જેમાં સરકારી રોજગારી, અર્ધસરકારી રોજગારી, બિનસરકારી રોજગારી એમ તમામ સંસ્થાનોમાં કેવી રીતે ગુજરાતના યુવાનોને પ્રાધાન્ય આપી શકાય એ બાબત આવનારા દિવસોમાં મોખરે રહેશે.

ગુજરાતમાં જે સરકારી નોકરીની પરીક્ષાઓ છે તે ખૂબ જ અનિશ્ચિતા ભરી છે. 2018ની તલાટીની પરીક્ષા 2022માં પણ પૂર્ણ ના થાય, 2018ની બિનસચિવાલયની પરીક્ષાના નિમણુંક પત્રો 2022 સુધી અપાયા ન હોય, TET હોય કે TAT હોય બધામાં અનિશ્ચિતા રહે છે એમાં નિયમિત નિશ્ચિતા આવી જાય તે માટે અમારી પાસે જે રોડમેપ તૈયાર છે તેની માહિતી દરેક યુવાનોને, તેમના માતા-પિતાને અને વડીલો સુધી પહોંચાડીશું. અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમને કેવી રીતે ન્યાય મળશે તે પણ જણાવીશું. આ મહત્વપૂર્ણ પ્રેસનોટમાં આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત ‘સમ્રાટ’ સામત ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *