અમદાવાદનો ‘કરોડપતિ ચોર’: કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં મોજશોખ માટે કરતો હતો ચોરી

Millionaire thief: રાજ્ય સહીત શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે.આવા આરોપીને તથા તેમની ગેંગને પકડીને પોલીસ દ્વારા સજા પણ આપવામાં આવતી હોઈ છે.તેમ…

Millionaire thief: રાજ્ય સહીત શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે.આવા આરોપીને તથા તેમની ગેંગને પકડીને પોલીસ દ્વારા સજા પણ આપવામાં આવતી હોઈ છે.તેમ છતાં આ આરોપીઓ સુધરવાનું નામ લઇ રહ્યા નથી. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી પ્રકાશમાં આવ્યો છે.જ્યાં ચોર કરોડપતિ( Millionaire thief ) હોવા છતાં પણ 100થી પણ વધુ એક્ટિવાની ચોરી કરી હતી.તેમજ આ ચોર દ્વારા સમગ્ર રાજ્યમાંથી એક્ટિવાની ચોરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ આરોપીને ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડપી પાડી 41થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને 4.70 લાખના વાહનો કબજે કર્યાં છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચની ટીમ મિલકત ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન તેમને આ કરોડપતિ ચોર અંગે ખાનગી બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને દાણિલીમડા પીરાણા કચરાના ઢગલાની સામે સોમનાથ મહાદેવ મંદિર તરફ જતાં રોડની જમણી બાજુએ સ્થિત ખુલ્લી જગ્યામાંથી મુળ રાજસ્થાનના હિતેષ જૈન નામના વાહનચોર આરોપીને પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી 4.70 લાખની કિંમતના 30 એક્ટિવા કબજે કર્યા હતાં.

મોજશોખ પુરા કરવા કરતો હતો ચોરી
પોલીસની પૂછપરછમાં આરોપી ચોરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં વાહન ફેરવવા માટે તેના મોજશોખ માટે તે એક્ટિવાની ચોરી કરતો હતો. તેને એક્ટિવા ચોરી કરવાની આદત થઈ ગઈ હતી. પોલીસે તેણે વાહન ચોરી સિવાય અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તેમજ તેની સાથે ગુના આચરવામાં બીજુ કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની વધુ તપાસ હાથ ઘરી છે. આરોપી પાસા હેઠળ સુરત અને પોરબંદરની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે.

આરોપી કરોડોના ફ્લેટમાં રહે છે
પકડાયેલો આરોપી વર્ષ 2016 થી વાહન ચોરીની વૃત્તિ સાથે જોડાયેલો છે. તેને એક મકાનનું દર મહિને 12 હજાર રૂપિયા ભાડુ પણ આવે છે છતાં તે આ ગુના આચરતો હતો. અગાઉ તે 100 થી વધુ એક્ટીવા ચોરીના ગુનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચૂક્યો છે. જોકે જેલમાંથી છૂટ્યા બાદ ફરી તે આ જ કામ શરૂ કરી દેતો. માત્ર 3 મિનિટમાં આ આરોપી કોઈ પણ એક્ટીવાને ચોરી કરી ફરાર થઈ જતો હતો. આરોપી પત્ની સાથે અણબનાવ થતા તેની પત્ની અને બાળકો અલગ રહે છે અને તે માત્ર માતા સાથે કરોડોના ફ્લેટમાં રહે છે.

ચોરી કરેલી કોઈ પણ એક્ટિવા કોઈને વેચતો નહોતો
આ આરોપી અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી એક્ટિવા પીરાણા પાસે ખુલ્લા મેદાનમાં મુકી હતી. જેમાંથી બેટરી સહિતના સાધનો કાઢી પણ વેચતો હતો. આરોપીને કોઇ પણ વિસ્તારમાં જવુ હોય તેની આસપાસ પાર્ક કરેલી એક્ટીવા ચોરી કરી તેમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પૂરૂ થતા તે એક્ટીવા અવાવરૂ જગ્યાએ મુકી ત્યાંથી અન્ય એક્ટીવાની ચોરી કરતો હતો. તેણે આજ સુધી ચોરી કરેલી કોઈ પણ એક્ટિવા કોઈને વેચતો નહોતો.