સમગ્ર વિશ્વ સહિત દેશમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓ સતત સામે આવે છે. એમાં પણ સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવીને ઠગાઈ કરવામાં આવી હોવાના કિસ્સાઓ છાશવારે સમાચાર માધ્યમોમાં જોવા મળે છે, ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરની એક પરણિીત મહિલાને વિદેશી યુવકે 7.50 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે.
અમદાવાદ શહેરમાં આવેલ ગુરુકુળ રોડ ખાતે રહેતા એક પરિણીત મહિલાએ સાયબર ક્રાઇમમાં ફેસબુક ફ્રેન્ડ તેમજ તેના બે સાગરીતો વિરુદ્ધમાં સાડા સાત લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ કરી છે. વધુમાં જાણવા મળે છે કે આ મહિલાના લગ્ન વર્ષ 2010માં થયા હતા પરંતુ મહિલાનાં લગ્ન ર૦૧૦માં થયાં હતાં, પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાથી કોઇ સારું પાત્ર મળશે તો લગ્ન કરી લેશે તેવી વાત મહિલાએ તેના પતિને કરી હતી.
ચારેક માસ પહેલાં મહિલાને ફેસબુક પર બેન મોરિસ નામના આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કર્યા બાદ બેન મોરિસ અને મહિલાએ મોબાઇલ નંબરની આપલે કરી હતી. મોરિસે કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જિનિયર હોવાનું તેમજ પોતે વિધુર હોવાનું મહિલાને કહ્યું હતું. મોરિસ પોતે ભારત આવવાનો છે અને છ મહિના રોકાવવાનો છે તેમ મહિલાને જણાવ્યું હતું.
મોરિસે મહિલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ મોરિસે મહિલાને ગિફ્ટમાં હેન્ડબેગ, લેડીઝ વેર, જ્વેલરી, રોલેક્સ ઘડિયાળ, ડાયમંડ રિંગ, ગોલ્ડ એરિંગ્સ, ગોલ્ડ નેકલેસ, આઇફોન 7S મોકલ્યાં હોવાનું કહ્યું હતું. તે પછી મહિલા પર સુમિતા ચૌધરી નામની કસ્ટમ ઓફિસરનો ફોન આવ્યો હતો અને ગિફ્ટ છોડાવવા ડ્યૂટી ભરવાની વાત કરી હતી.
સુમિતા ચૌધરીએ મહિલાને કસ્ટમ કસ્ટમ ડ્યૂટી પેટે પચાસ હજાર રૂપિયા ભરાવ્યા હતા. થોડાક દિવસ પછી સુમિતાએ ફરીથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ગિફ્ટનું પાર્સલ સ્કેન કરતાં હતાં, જેમાં પાઉન્ડ અને કીમતી વસ્તુ છે, જે કરન્સી કન્વર્ટ ચાર્જ તરીકે બે લાખ રૂપિયા ભરવા પડશે. સુમિતા ચૌધરી અને અન્ય શખ્સે બેન્ક ઓફિસરની ઓળખ આપી બેન મોરિસ સાથે મળીને કુલ સાડા સાત લાખ રૂપિયા ગિફ્ટ છોડાવવા માટે મહિલા પાસેથી પડાવ્યા હતા.