‘મરવા જાવ છું, એવી રીતે મરીશ કે ગોતેય નહી મળું’- કહી અમદાવાદના ASIની દીકરી થઇ ગુમ

સાબરમતી(ગુજરાત): આજકાલ આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે સાબરમતીમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈની પુત્રી ગુરુવારે ‘મરવા માટે જઉં છું’ એવી ચિઠ્ઠી છોડીને ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પિતાને અંતિમ ઓડિયો-ક્લિપ મોકલીને મરવાની વાત કરનારી દીકરીનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરની નર્મદા કેનાલનું મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આઠ કલાક શોધખોળ કરવામાં આવું હોવા છતાં હજું તેનો પતો ન મળતાં રહસ્ય ઘેરાયેલુ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશદાન ગઢવીનાં દીકરી સોનલબેનના લગ્ન હાલ ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. તેમને 14 વર્ષના લગ્નજીવન બાદ સંતાનમાં એક દીકરો અને એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ, સાસરિયાંમાં તેમને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતાં હતાં અને ત્યાં પણ તેમના પતિ ‘ઘરે આવી જા, નહિતર હું મરી જઈશ’ એવા ફોન કરતા હતા. જેનાથી કંટાળીને ગુરુવારે સોનલબેન ચિઠ્ઠી મૂકીને ઘર છોડી ગયાં હતાં. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘હું મરવા જઉં છું.’ગુરુવારે બપોરે 1:53 વાગ્યે પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘તે મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, તે શું મરવાનો હતો, હું જ તેને મરીને બતાવી દઈશ.’

આ ઉપરાંત તેમણે ઓડિયો-ક્લિપમાં એમ પણ કહ્યું હતું કે, ‘હું એવી રીતે મરીશ કે તમને કદાચ મળીશ પણ નહિ.’ આવી ઓડિયો-ક્લિપ મોકલીને મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. જાણવા મળ્યું છે કે, તેમનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરના દૂધરેજની નર્મદા કેનાલનું આવતું હતું, આથી તેમનાં પરિવારજનો સુરેન્દ્રનગર દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં સતત 8 કલાક સુધી કેનાલમાં શોધખોળ પણ કરી હતી. પરંતુ, સોનલબેનની કોઈ ભાળ મળી ન હતી. જોકે, આ કેનાલમાં જો કોઈ મૃતદેહ હોય તો ફસાઈ જાય તેવી સ્થિતિ નથી, આથી સોનલબેન ક્યાં ગયાં એ અંગે રહસ્ય હજુ ઘેરાયેલુ છે.

સોનલબેને ઓડિયો ક્લીપમાં જણાવ્યું હતું કે, “હું હવે આ માનસિક ત્રાસ સહન નહિ કરી શકું, મેં મારાથી બનતું હતું ત્યાં સુધી બહુ સહન કર્યું, પણ હવે નથી થતું. તે મને વારંવાર મરી જવાની બીક બતાવતો હતો, એ શું મરતો હતો, હું જ તેને મરીને બતાવી દઉં છું. હું મોતને વહાલું કરવા જઈ રહી છું, એટલે આ ઓડિયો-ક્લિપ તમને મોકલું છું. મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. પપ્પા, ભાઇલા બધાય હિંમત રાખજો. આ ઓડિયો-ક્લિપ મળે તો મને ગોતવાની તકલીફ ન કરતાં, હું નહીં મળું તમને. હું એવી રીતે મરીશ કે કદાચ તમને મળીશ પણ નહિ. આ ઓડિયો તમને મળશે ત્યાં સુધીમાં હું આ દુનિયામાં નહીં રહી હોય.”

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, સોનલબેનના પિતા 10 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર નોકરી કરતા હતા. બાદમાં તેમની બદલી અમદાવાદ થઇ હતી. પરંતુ, સોનલબેન સુરેન્દ્રનગર ક્યારેય પણ આવ્યાં ન હતાં. તેમને આ બાજુનો રસ્તો પણ જોયો નથી. તો સોનલબેન અહીં કેવી રીતે આવ્યાં એ પણ હવે તપાસનો વિષય બન્યો છે.

ઓસ્ટ્રેલિયાથી તેના ભાઈએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલાં તેણે મને કહ્યું હતું કે મેં બળવાથી કે દવા પીને મરવાથી બીક લાગે છે. પરંતુ, મને તરતા નથી આવડતું, એટલે હું કેનાલમાં ડૂબી મરવા જઇ રહી છું. ભાઇલા, મારાં દીકરા-દીકરી અને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે.

સોનલબેનના પિતાઈ જણાવ્યું હતું કે, મારી દીકરી સોનલ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે તેણે ચિઠ્ઠી પણ લખી હતી. એમાં તેણે લખ્યું હતું કે, હું મરવા માટે જાઉં છું. ચિઠ્ઠી વાંચીને અમે તેની શોધખોળ કરી. પરંતુ, કોઈ જગ્યાએ તેની ભાળ મળી નહી. આ ઉપરાંત, તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. ત્યારબાદ મોબાઇલનું છેલ્લું લોકેશન કઢાવ્યું. રાત્રિના 1:35 વાગે મોબાઇલનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરની કેનાલનું આવ્યું હતું. જેથી અમે અહીં દોડી આવ્યા અને ફાયરની ટીમને જાણ કરી છે. પરંતુ, હજુ સુધી દીકરીનો પતો મળ્યો નથી. એકવાર તેનું મોઢુ જોવા મળી જાય તો પણ બસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *