પ્રેમના નામે જિંદગી સાથે રમવાનું બંધ કરો! અ’વાદી યુવતીએ બે જીગરજાન મિત્રોને ભવ ભવના વેરી કર્યા, અસલી ખેલ તો પછી શરુ થયો…

અમદાવાદ(Ahmedabad): આજે એક એવી ચકચારી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને કદાચ તમારા પણ રુવાડા બેઠા થઇ જશે. વાત કરવામાં આવે તો 19 વર્ષનો એક છોકરો, 17 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યો હતો. માત્ર ચાર મહિના જૂનો પ્રેમ સંબંધ છોકરા માટે દર્દનાક મોતનું કારણ બન્યું હતું. કોલેજના કેમ્પસથી શરૂ થયેલી કહાની ન તો છોકરીના પરિવારને જાણ હતી, ન તો છોકરાના પરિવારના સભ્યોને આ પ્રકારના સંબંધોથી વાકેફ હતા. આ દર્દનાક ઘટનામાં વિલન બન્યો છોકરાનો જ એક જીગરજાન દોસ્ત.


મૃતક પ્રિન્સ પટેલ

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રિન્સ પટેલ નામનો એક 19 વર્ષીય વિદ્યાર્થી અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી આર.સી.ટેકનિકલ કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. કેટલાક મહિના અગાઉની આ વાત છે. કોલેજમાં ભણતા સમય દરમિયાન પ્રિન્સની મુલાકાત નેહા(નામ બદલેલ છે) નામની એક છોકરી સાથે થાય છે. આ છોકરી નેહાની ઉંમર 17 વર્ષની હતી. નેહા પણ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. થોડોક સમય જતા મુલાકાતોમાં પ્રિન્સ અને નેહા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ચારેક મહિના અગાઉ બન્નેએ પોત-પોતાના દિલની વાત રજૂ કરી અને પ્રેમ પ્રકરણની શરૂઆત થઇ હતી. પરંતુ કોલેજકાળના આવા ખુશીભર્યા દિવસોમાં અચાનક જ એક દિવસ એન્ટ્રી થઈ ત્રીજા વ્યક્તિની.

મળતી માહિતી અનુસાર, અંદાજે જાન્યુઆરી મહિના સુધી પ્રિન્સ અને નેહાના જીવનમાં બધુ જ રેડી ચાલતુ હતું. જો કે તેમના આ પ્રેમ સંબંધોની જાણ બન્નેમાંથી કોઈપણના પરિવારને થઇ ન હતી. પરંતુ એક દિવસ કોલેજ કેમ્પસની નજીક જ પ્રિન્સની પ્રેમિકાને જ એક યુવાન સાથે મુલાકાત થઈ હતી. આ યુવાનને પ્રિન્સ અવારનવાર તેની કોલેજની આજુબાજુ જોતો હતો પરંતુ આ યુવાન તે કોલેજનો વિદ્યાર્થી ન હતો એટલે પ્રિન્સે સહજતાથી એ યુવાન સાથે સામાન્ય વાતચીત શરૂ કરી હતી. પેલા યુવાન દ્વારા પોતાની ઓળખ સાગર પટેલ તરીકે આપવામાં આવી હતી.


હત્યાનો આરોપી સાગર પટેલ

સોલા પોલીસ સ્ટેશનના PI જે પી અગ્રવાતના જણાવ્યા અનુસાર, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો સાગર પટેલ વસ્ત્રાલમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. એ યુવતી સોલાની આર.સી.ટેક્નિકલ કોલેજ એટલે કે જ્યાં પ્રિન્સ ભણતો હતો ત્યાં જ તે યુવતી ભણતી હતી. આ જ કારણે સાગર તેની પ્રેમિકાને છાશવારે મળવા માટે આવ્યો હતો. ધીમે ધીમે સાગર અને પ્રિન્સ વચ્ચે મિત્રતા વધતી ગઈ. પણ પ્રિન્સ એ વાતથી અજાણ હતો કે આ મિત્રતા જ એક દિવસ તેના માટે ઘાતકી સાબિત થશે.

મળતી માહિતી અનુસાર, પ્રિન્સ અને સાગરની સારી એવી મિત્રતાના કારણે જ પ્રિન્સની પ્રેમિકા નેહા પણ સાગરના સંપર્કમાં આવી હતી. ધીમે ધીમે રૂબરૂ મુલાકાતો, હળવા મૂડમાં થતી વાતચીત અને ફોન નંબરની આપ-લે થઈ હતી. જાણે ફિલ્મી કહાની હોય તેવી રીતે સાગરે તેની પ્રેમિકા સાથે બ્રેકઅપ કરી લીધું અને નેહાને પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ ઘણા દિવસો સુધી આ વાત પ્રિન્સ જાણતો ન હતો.

મહત્વનું છે કે, સાગર અને નેહાને એક મહિના અગાઉ પ્રેમસબંધ થયો હતો. બન્ને એકબીજાની વધારે નજીક આવવા લાગ્યા હતાં અને અવાર-નવાર મોબાઈલમાં વાતચીત પણ કરતાં રહેતાં હતાં. જો કે ધીમે-ધીમે પ્રિન્સને આ અંગે શંકા જવા લાગી હતી. પ્રિન્સે એ પણ જણાવતા કહ્યું હતું કે, નેહા અને સાગર એક જ સમયે સાથે ઓનલાઈન દેખાય છે. શંકાના કારણે જ પ્રિન્સ અને નેહા વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ હતી. બીજી તરફ નેહા આ બધી જ માહિતી સાગરને આપતી રહેતી હતી. જો કે આ વાત અહીં અટકી ન હતી. સાગરે અને નેહાએ તેમનો પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. અંતે હવે સાગર અને પ્રિન્સ પણ આ મામલે આવર-નવાર ઝઘડો કરવા લાગ્યા હતા. આમ, કોલેજકાળનો એક પ્રેમસંબંધ લવ ટ્રાયેન્ગલમાં પરિણમ્યો હતો. બન્ને જીગરજાન દોસ્ત વચ્ચે વેર તો એવું વધ્યું કે જીવ લઈને ખતમ કરી દેવા સુધીનો તખ્તો ઘડવામાં આવ્યો હતો.


હત્યાનો આરોપી સાગર પટેલ

પ્રિન્સના કાકા નવનીતભાઈએ જણાવતા કહ્યું હતું કે, ‘સાગર સાથેના ઝઘડાને લઈને પ્રિન્સે તેનાં માતાને પણ આ અંગે વાત કરી હતી. પ્રિન્સે જણાવતા કહ્યું હતું કે એક છોકરો છે, જે મને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો છે. જો કે કોલેજ દરમિયાન આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે, તેમ માનીને પરિવાર દ્વારા આ વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.’ સાગર પટેલે પોલીસને જણાવતા કહ્યું હતું કે, ’15 દિવસ અગાઉ પ્રિન્સ સાથે ઝઘડો થયો ત્યારે પ્રિન્સે મારી મા વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. તેના આવા વર્તનના કારણે મને ખુબ જ ગુસ્સો આવ્યો હતો અને તેનો બદલો લેવાનું મેં નક્કી કરી લીધુ હતું.

મહત્વનું છે કે, પરીક્ષા હોવાના લીધે પ્રિન્સ છેલ્લા ઘણા દિવસથી પોતાની કોલેજ જતો ન હતો. આ દરમિયાન 6 માર્ચના રોજ પ્રિન્સને સાગરે મળવા માટે બોલાવ્યો હતો. પ્રિન્સ એ વાતથી સંપૂર્ણ અજાણ હતો કે તેના એક સમયના મિત્ર સાગરે તેને ખતમ કરી નાખવાનું ષડ્યંત્ર ઘડી લીધું છે. પ્રિન્સ આર.સી.ટેક્નિકલ કોલેજ પહોંચ્યો હતો અને જ્યાં તેને સાગર મળ્યો હતો. થોડા જ સમયમાં બન્ને વચ્ચે ઝઘડો શરુ થઈ ગયો હતો. આજુબાજુમાં રહેલા લોકો કંઈક સમજે કે બન્નેને છોડાવવાનો જરા પણ પ્રયત્ન કરે એ પહેલાં તો સાગરે પોતાની પાસે રહેલી રેમ્બો નાઈફ પ્રિન્સના પેટમાં ઝીંકી દીધી હતી અને પળભરમાં બહાર ખેંચી લીધી હતી. આવી જ રીતે બીજા પણ ઘણા ઘા કર્યા હતા અને પ્રિન્સના પેટમાંથી લોહીનો ફુવારો છૂટવા લાગ્યો હતો. આજુબાજુમાં ઊભેલા બીજા વિદ્યાર્થીઓ પણ આ જોઇને ચોંકી ઊઠ્યા હતા. પ્રિન્સ ત્યાને ત્યાં જ ઢળી પડ્યો હતો. બે-ચાર લોકો પ્રિન્સને બચાવવા માટે દોડ્યા, તે જ સમયે તકનો લાભ લઈને સાગર ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દીપિકા સિંઘલે જણાવ્યા અનુસાર, પેટમાં તીક્ષ્ણ ચાકુ વાગવાના કારણે પ્રિન્સનું આંતરડું બહાર આવી ગયું હતું. જેના કારણે તેના શરીરમાંથી વધારે લોહી વહેવા લાગ્યું હતું. પેટમાં ઘાના કારણે લોહીની નસો પણ ફાટી જવા પામી હતી. અમારા દ્વારા તેને ICUમાં રાખી નસો રિપેર કરવામાં આવી અને તેને 6 બોટલ જેટલું લોહી તેમજ પ્લાઝમાં ચડાવવામાં આવ્યા. પણ લોહી વધારે પ્રમાણમાં વહી જવાના કારણે તેનું બ્લડપ્રેશર સતત હાઈ રહેતું હતું. અમારા દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પણ હુમલાના બીજા દિવસે બપોરે તેનું મોત થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *