આજકાલ ઘણી ચોરીની ઘટનાઓ બનતી હોય છે પરંતુ હાલ અમદાવાદમાંથી એક અજીબ ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરોની આ ટોળકી એ.એમ.સીએ લગાવેલા સીસીટીવી કેમેરાના જંક્શન બોક્સમાંથી પણ કેટલોક સામાન ચોરી કરી જતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.
તાજેતરમાં બનેલી બે ઘટનાને લઇને નવરંગપુરા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છ જંકશન ઉપર થયેલી ચોરી અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા શીલનભાઈ શાહ પાલડી ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન કંટ્રોલ રૂમ ખાતે આવેલી એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.
અમદાવાદ શહેર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દરેક ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે તેનું તમામ મોનિટરિંગ કરવાનું કામ તેમની કંપની કરે છે. તેમની કંપની તરફથી નવરંગપુરા વિસ્તારમાં નવરંગપુરા ચાર રસ્તા તથા સીએ સર્કલ ચાર રસ્તા એમ બે જગ્યાએ જંકશન બોક્સ લગાવવામાં આવ્યા છે. જેની અંદર કેમેરા કંટ્રોલ કરવા માટે પાવર તથા કેમેરા કંટ્રોલ કરવાના સાધનો તેમજ કેબલો લગાવેલા છે.
આ દરમિયાન પહેલી મેના રોજ સવારના નવરંગપુરા ચાર રસ્તા પાસે લગાવેલા જંકશન બોક્સના કેમેરા બંધ થતા ત્રીજી તારીખના રોજ આ જંકશન બોક્સ ચેક કરતાં તે ખુલ્લું મળી આવ્યું હતું. આ ઉપરાંત અંદરના સ્ટેબિલાઇઝર તથા નેટવર્ક વીજ તથા એસ.એફ.પી તથા અન્ય સામાન સહિતની બોક્સની તમામ ચીજવસ્તુ ગાયબ હતી.
ત્યારબાદ 9મી તારીખના રોજ સવારે સીએ સર્કલ નવરંગપુરા ખાતે લગાવેલા જંક્શન બોક્સની તપાસ કરતા તેમાંથી પણ કેટલોક સામાન ગાયબ હતો. આ અંગે જાણવા મળ્યું હતું કે, અજાણ્યા ચોર જંકશન બોક્સ તોડી તેમાંથી અમુક સામાન ચોરી કરી ગયા હતા જેથી શીલનભાઈએ 1.28 લાખનો સામાન ચોરી થયો હોવાની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દરમિયાન અમદાવાદના પાલડીમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન કંટ્રોલ ખાતે એક કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રશાંત દલાલ દ્વારા પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે આ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની કંપની તરફથી સેટેલાઈટના શ્યામલ ચાર રસ્તા, નહેરુનગર ચાર રસ્તા, આઇઓસી પેટ્રોલ પંપ તેમજ શિવરંજની ચાર રસ્તા આ ચાર જગ્યાએ સીસીટીવી કેમેરાના જંકશન બોક્સ લગાવવામાં આવ્યા છે.
12 એપ્રિલની સાંજે કૅમેરા બંધ થઈ જતા તેમણે તપાસ કરી તો આ ચારેય જંકશન પર લગાવેલા જંક્શન બોક્સમાંથી કેટલોક સામાન ચોરી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ જંકશન ઉપર અલગ અલગ સમયમાં ચોરી થઈ હતી. જાણવા મળ્યું છે કે, કુલ 3.19 લાખનો સામાન ચોરી થઇ જતા આ અંગે તેમણે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.