સરકારે RTO ચેકપોસ્ટ નાબૂદ કર્યા બાદ હવે રાજ્યમાં તમામ પોલીસ ચેકપોસ્ટ પણ તાત્કાલિક હટાવી લેવાનો હુકમ જાહેર કરાયો છે. ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, એમપી તેમજ રાજસ્થાન બોર્ડર સહિત રાજ્યમાં 200થી પણ વધુ ચેકપોસ્ટ છે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પરિપત્ર કરીને આ તમામ ચેકપોસ્ટને તાત્કાલિક બંધ કરી દેવા આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, પોલીસ ચેકપોસ્ટ પર મોટા પ્રમાણમાં તોડ થતો હોવાના આક્ષેપ અવારનવાર થતા રહેતા હોય છે. તેમાં પણ બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર પોલીસનો પહેરો હોવા છતાં રાજ્યમાં બેરોકટોક દારુ ઘૂસાડવામાં આવતો હતો. ઘણીવાર ચેકપોસ્ટને કારણે ટ્રાફિકજામની સ્થિતિ બનતી હતી, અને લોકોને પરેશાન થવું પડતું હતું. તેવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે, પોલીસની ચેકપોસ્ટ પણ હટી જતાં હવે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા નહીં મળે.
જોકે, ડીજીપીએ આપેલા આદેશને કારણે હવે ગુજરાતમાં વગર કોઈ રોકટોકે દારુની હેરફેર થઈ શકશે તેવો ભય પણ કેટલાક લોકો વ્યક્ત કરી રહ્યા છે.આજથી ગણતરીના દિવસો બાદ ૩૧ ડીસેમ્બર આવી રહી છે.ગુજરાત સરહદી રાજ્ય છે ત્યારે આ રીતે ચેકપોસ્ટ હટાવી લેવાથી રાજ્યમાં તોફાની તત્વો કે પછી આતંકવાદીઓ પણ બિન્દાસ્ત રીતે ઘૂસી શકશે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એટલું જ નહીં, હવે તો ગુજરાતમાં આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ પણ સક્રિય થઈ છે, ત્યારે ગુજરાતમાં ગુનો કરી બીજા રાજ્યોમાં છૂમંતર થઈ જતાં લોકોને કઈ રીતે પકડી શકાશે તે પણ સવાલ ઉઠ્યો છે.
ચેકપોસ્ટ હટાવી દેવાનો નિર્ણય કેમ લેવાયો તે અંગે હજુ સુધી પોલીસતંત્રએ કોઈ સ્પષ્ટતા કરી નથી. શિવાનંદ ઝા દ્વારા 23મી ડિસેમ્બરે જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફેક્સ મોકલીને બોર્ડર ચેકપોસ્ટ તેમજ દરિયાઈ ચેકપોસ્ટ પણ હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ચેકપોસ્ટ પર તૈનાત સ્ટાફને બીજે ખસેડી દેવાનું પણ જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.