ગુજરાતમાં ફરી એક વાર રાજકીય ગરમાવો વધી ગયો છે છેલ્લા પંદર દિવસમાં બીજા કોંગ્રેસના ધારાસભ્ય આજે ભાજપમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પાટીદારો ઓબીસી દલિત સમાજ આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનમાંથી ગુજરાતમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓ મળ્યા છે. જેમણે પોતાના સમાજના સંગઠન માં આંદોલનની અસર પ્રવર્તાવી ને ગુજરાતના રાજકારણમાં પોતાનો એક્કો જમાવી દીધો છે. શરૂઆતમાં આ ત્રણેય આંદોલનકારીઓ કોઇ પક્ષ સાથે નિસ્બત રાખતા નહોતા , પરંતુ જેમ-જેમ 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તેમ આંદોલનને રાજકીય રંગ લાગી ગયો અને સમાજના નેતાઓમાંથી લોકોના નેતા બનવા તરફ ત્રણેય નેતાઓએ કદમ ઉઠાવી લીધા હતા.
2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની ટિકિટ લઈને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર વિધાનસભામાં તો પહોંચી ગયા. સાથે સાથે જીગ્નેશ મેવાણી પણ અપક્ષ લડીને વિધાનસભાના ગલિયારામાં પહોંચી ગયા એ વાતમાં કોઈ શંકા નથી કે જીગ્નેશ મેવાણી ને જીતાડવા માટે કોંગ્રેસે તેને સમર્થન જાહેર કર્યું હતું. હાર્દિક પટેલની અપરિપક્વ ઉંમરને કારણે તે ચૂંટણી લડી શક્યો ન હતો. જે સપનું હવે 2019માં પૂર્ણ થવા જઈ રહ્યું છે. હાર્દિક પટેલની ટીમ દ્વારા બે દિવસ અગાઉ જ રાજકોટ માં મિટિંગ કરીને હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થઈ જાય તે પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે. હાર્દિક પટેલ 12 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની ગાંધીનગર ખાતેની બેઠકમાં કોંગ્રેસના રંગે રંગાઇ શકે છે અને જામનગર થી લોકસભા ચૂંટણીમાં પણ ઝંપલાવી શકે છે.
જીગ્નેશ મેવાણી પોતે પોતાના સમાજની વાત લઈને નેતા તો બન્યા પરંતુ તેણે લોકનેતા બનવાની લાલચ બતાવી નથી. તેઓ વધુ મહત્વકાંક્ષી પણ દેખાઈ રહ્યા નથી, પરંતુ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પોતાના આંદોલનની શરૂઆત થી એકબીજા વિરુદ્ધ ઝેર ઓકતા હતા અને 2017 ની ચૂંટણી આવી ત્યાં સુધીમાં એકબીજાના રાજકીય પ્રેમમાં રંગાઈ ગયા અને એકમેક માટે શું ન કરીએ? તેવું વિચારવા લાગ્યા. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર 2017 ની વિધાનસભા ચૂંટણી બાદ પોતપોતાનું કદ ગુજરાત બહાર પણ વધારવામાં કોઈ કસર છોડી નથી.
અલ્પેશ ઠાકોર જ્યારથી કોંગ્રેસમાં ગયા છે. ત્યારથી કંઈક ને કંઈક રીતે કોંગ્રેસને બ્લેકમેલ કરીને પોતાના રાજકીય મનસૂબાઓ પૂરા કરાવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો અલ્પેશ ઠાકોર પોતે જ પોતાના મળતિયાઓ દ્વારા પોતે ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેવી વાતો વહેતી કરાવે છે અને કોંગ્રેસ ઉપર રાજકીય પ્રેશર ઊભું કરે છે અને રાહુલ ગાંધી પાસે પોતાની ડીમાન્ડ વધારે છે. અલ્પેશ ઠાકોર પોતાના આંદોલનની શરૂઆત માં ભાજપ તરફ ઝુકાવ રાખતા હતા અને પોતે કેસરિયા રંગે રંગાવા તલપાપડ હતા. જાણકારોનું માનીએ તો અલ્પેશ ઠાકોર એ પોતાનું માંગણી પત્રક અમિત શાહ ને મોકલાવી આપ્યું હતું. પરંતુ અમિત શાહ અલ્પેશ ઠાકોર અને તેના મનસૂબા અને સારી રીતે પારખી ગયા અને અલ્પેશ ઠાકોર ને ભાજપમાં લઈને ભૂલ કરવા માંગતા નહોતા આથી અલ્પેશને કોંગ્રેસમાં જોડાવું પડ્યું.
અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લઈને કોંગ્રેસ ફિક્સમાં મુકાઈ ગઈ છે, ત્યારે અલ્પેશ ઠાકોર ની જેમ સમાજના નામથી હીરો બનેલા હાર્દિક ને પણ કોંગ્રેસમાં લઈને કોંગ્રેસ બીજીવાર આવી ભૂલ કરશે કરી?