જમ્મુમાં એક બસની અંદર બ્લાસ્ટ, 8 લોકો ઘાયલ, સુરક્ષાદળોએ બસ સ્ટેશનને ઘેર્યું

Published on: 7:17 am, Thu, 7 March 19

જમ્મુની એક બસમાં આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં આઠ લોકો ઘાયલ છે. જોકે બ્લાસ્ટ કેમ અને કોણે કર્યો છે તે વિશે કોઈ માહિતી મળી નથી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અને સુરક્ષાદળોએ બસ સ્ટેશનને ઘેરી લીધું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે, આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં પણ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી હંદવાડા અને કુપવાડાની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા બાદ જમ્મુમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. જમ્મુના ભીડવાળા વિસ્તારોમાં ઘણી સુરક્ષા હતી પરંતુ તેમ છતાંય બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો થઈ ગયો.

આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ડીજી સીઆઈએસઅફે જાણકારી આપી છે કે તમામ યૂનિટની સુરક્ષા વધારવામાં આવી છે.

જોકે, બ્લાસ્ટના કારણ વિશે માહિતી નથી મળી શકી. પોલીસે જણાવ્યું કે આ ગ્રેનેડ હુમલો છે. જોકે, હજુ સુધી જાણી નથી શકાયું કે આ હુમલાની પાછળ કોણ છે.