હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી: આ તરીખ સુધી રહેશે વરસાદી ઝાપટા ત્યાર પછી ગરમીમાં થશે વધારો

Ambalal Patel Predictions in Gujarat: હાલ ગુજરાતભરમાં હળવું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળા ઘેરાયાં રહ્યા છે.આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડી રહી નથી.કેટલાક હવામાન શાસ્ત્રીઓ 25 ઓગસ્ટ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં(Ambalal Patel Predictions in Gujarat) ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

રાજ્યમાં આ તારીખથી વધશે ગરમીઃ અંબાલાલ પટેલ
તેમને જણાવ્યું છે કે, ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. તારીખ 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં થોડો વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.

નાગરિકો અનુભવી રહ્યા છે હળવાશ
અત્યારે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે છે, પરંતુ તેમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. આ વરસાદી ઝાપટાંથી થોડા ઘણા અંશે રોડ ભીના થઈ રહ્યા છે. જોકે વરસાદ પડતો ન હોઈ એક પ્રકારે નાગરિકો હળવાશ અનુભવી રહ્યા છે.

વરસાદે વિરામ લીધો હોઈ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથના ભાવિક ભક્તો શિવાલયમાં જઈને તેમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તો શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અત્યારે પણ શિવાલયો સવારથી હર હર મહાદેવના નારાથી ગૂંજી રહ્યા છે.

આજે આ વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ
રાજ્યના અમુક વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં પડ્યો 713.63 મિમિ વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન કંટ્રોલનાં સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 713.63 મિ.મિ. વરસાદ પડી ચૂક્યો છે, જે વરસાદની 81.41 ટકાવારી છે. અત્યારે તો કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાંથી વરસાદ ગાયબ થયો ગયો છે. ઓગસ્ટ મહિનામાં તો ભારે વરસાદ ક્યાંય પડ્યો નથી.

ફક્ત ઝરમરિયા વરસાદ કે 1-1.5 ઇંચ વરસાદથી લોકોએ સંતોષ કરવો પડે છે. જોકે ચાલુ ચોમાસાની સિઝનમાં કચ્છ 136.19 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરાના સ્થાને છે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં 110.02 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *