સુરતમાં કોરોના મહામારીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સુરતની સામાન્ય જનતા હોસ્પિટલોમાં બેડ મેળવવા અને પોતાના પરિજનો માટે રેમડેસિવિરના ઈન્જેક્શન માટે કલાકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આંબેડકર જયંતીની ઉજવણીના નામે ભીડ ભેગી કરી હતી. શું ખરેખર ભાજપના પ્રદેશ પ્રમુખને પોતાના રાજ્યના લોકોની થોડી પણ ચિંતા નથી કે, અવારનવાર ભીડ ભેગી કરીને કોરોનાનો ફેલાવો કરી રહ્યા છે.
છેલ્લા એક વર્ષથી ‘દો ગજ કી દૂરી’ જાળવવાનું કહેનારા જ હાલ ચુંટણીના નામે હજારોની ભીડ ભેગી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે. અને ગુજરાતમાં શ્રી CR પાટીલ કોરોના મહામારીના સમય વચ્ચે ઠેરઠેર ભીડ ભેગી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે. આ પહેલા પણ ભાજપ પ્રમુખ બન્યા ત્યારે પોતાનું અભિવાદન કરાવવા અને પછી જિલ્લા-તાલુકા પંચાયતની રેલીઓમાં સી આર પાટીલે બહોળા પ્રમાણમાં ભીડ ભેગી કરી હતી અને ત્યારબાદ ગુજરાત કેવી-કેવી પરિસ્થિતિથી ગુજરી રહ્યું હતું આજે દરેક લોકો જાણે જ છે. આમછતાં હંમેશા ચર્ચાનો વિષય બનેલા સીઆર પાટીલએ આજે ફરીથી કોરોનાનું કેન્દ્ર બનેલા સુરતમાં આંબેડકર જયંતિની ઉજવણીના નામે ભીડ ભેગી કરી છે અને સરકારને સમાન્ય લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી એ સાબિત કર્યું છે.
પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીની દરેક અપીલોને ભાજપના નેતાઓ ઘોળીને પી ગયા
સુરત શહેરના રિંગ રોડ માન દરવાજા પાસે ડો.બાબા સાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ભાજપના નેતાઓની ભીડ ભેગી થઇ હતી. આ ભીડ જોઇને લાગી રહ્યું હતું કે ભાજપના નેતાઓને પોતાના સ્વાસ્થ્યની તો ચિંતા નથી પરંતુ શહેરના હજારો સામાન્ય જનતાની પણ ચિંતા નથી. આ ભીડમાં બીજું કોઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા જ સામેલ હતા. સાથે-સાથે અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પણ કોરોનાનો ફેલાવો કરવા પહોંચ્યાં હતાં. ભાજપના નેતાઓએ કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં ભેગા થઈને જાણે પોતે કોરોના સંક્રમણ ફેલાવવાનો સંકલ્પ કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કોરોનાના નિયમોનું કડકપણે પાલન કરવાની અપીલ કરતા રહ્યા છે, પરંતુ આ ફક્ત સામાન્ય નાગરિકો માટે જ છે, ભાજપના નેતાઓને કોઈ ફરક પડતો નથી તેવું પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.
ફોટો ફ્રેમમાં ખુદ મેયર પણ સામેલ
હમણાં હમણા જ સુરતના મેયર કોરોનાગ્રસ્ત હતા અને હમણાં જ સારવાર લઈને સાજા થયા છે. છતાં પણ રાજકીય નેતાની જે તે વર્ગના લોકોને ખુશ કરવા માટે ની તાલાવેલીએ તેમને કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માટે મજબૂર કરી દે છે. હાલમાં મોટો સવાલ એ ઉભો થયો છે કે, શહેરના પ્રથમ નાગરિકની આ પ્રકારની બેદરકારી શહેરીજનો માટે શું બોધપાઠ આપે છે? હાલ જો ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને સુરત શહેરના મેયર જ આમને આમ સરકારની ગાઇડ લાઇનના સીધે સીધા લીરા ઉડાડતા હોય તો આમાં સામાન્ય જનતા પાસેથી તેના પાલનની શું અપેક્ષા રાખી શકીએ.
પાર્ટીના અધ્યક્ષ દ્વારા જ થયું ઉલ્લંઘન
જ્યારથી સી આર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા છે ત્યારથી જ કોરોના વચ્ચે ઠેરઠેર ભીડ ભેગી કરીને કોરોનાનું સંક્રમણ વધારવા કોરોનાને મોખરું મેદાન આપ્યું છે. હાલ પરિસ્થિતિ જોઇને સી આર પાટીલને જ કાર્યક્રમોને બંધ કરાવી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવવા ભાજપના નેતાઓને અપીલ કરવી જોઈએ પંરતુ ઉલટાનું પોતે હાજર રહીને કાર્યક્રમમાં હાજરી આપીને ફોટા પડાવી રહ્યા છે. તસ્વીરો જોતા લાગી રહ્યું છે કે, સી આર પાટીલ અને હેમાલી બોઘવાલાને કોરોનાનો તો કોઈ ડર રહ્યો નથી પરંતુ સરકારની ગાઇડ લાઇનની પણ કોઈ માનમર્યાદા રહી નથી.
સામાન્ય લોકોને દંડ અને નેતાઓને મોજ
સરકારની ગાઇડ લાઇન તો માત્ર આંબેડકરની પ્રતિમાની આસપાસના નાની ચાની રેકડી ચલાવનાર, શાકભાજી વેચનાર, પાથરણા પાથરીને નાનો મોટો વેપાર કરનાર, રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે છે નેતાઓ માટે જાણે કોઈ જ નીતિ નિયમો લાગુ પડતા નથી. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ કાર્યક્રમો અને જ્યાં મેળાવડામાં હાજર રહેનાર નેતાઓ પૈકીના એક છે, પરંતુ નેતાગીરીને એટલી ખુમારી છે કે તેઓની સામે શિસ્તભંગનાં એક પણ પગલાં લેવાયા નથી અને જયારે હોય ત્યારે ઠેર ઠેર કાર્યક્રમોમાં ભીડ ભેગી કરીને કોરોનાનો ફેલાવો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.