રાજ્યના સુરત શહેરમાંથી હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. શહેરના ઈચ્છાપોરમાં મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. વતનથી પાછા આવ્યાની જાણ શેઠને કર્યા વગર ગ્રાહકોની ભીડ વચ્ચે ગુપચુપ દુકાનમાં સંતાઇ જઇને બંધ થયા પછી રોકડ તથા મોબાઇલ સહિત 1.63 લાખ રૂપિયાની મતા ચોરી જનાર નોકરને પોલીસે પકડી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ થતાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
CCTVના વાયર પણ છૂટા કરી દીધેલા:
ઇચ્છાપોર બસસ્ટેન્ડ-3 નજીક કલ્પતરુ જનરલ સ્ટોર્સના માલિક પુખરાજ ગણેશમલ જૈન ગત ગુરુવારની સવારમાં દુકાન ખોલી ત્યારે ડ્રોઅરમાંથી 80,000 રૂપિયાની રોકડ તથા 7 મોબાઇલ ફોન ચોરી થઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું. દુકાનનું તાળું તોડ્યા વગર થયેલ ચોરી અને CCTVનો વાયર પણ અંદરથી છૂટો હોય જાણભેદુનું કારસ્તાન લાગ્યું હતું.
દુકાનના ફૂટેજ ચેક કરતાં રાત્રે 8:18 કલાકે લાલ ટી-શર્ટ તથા ચહેરા ઉપર રૂમાલ બાંધીને આવેલ શખ્સ દુકાનમાં ગ્રાહકોની ભીડ વચ્ચે અંદર આવતો તેમજ અગાસી બાજુ જતો દેખાઇ આવ્યો હતો.
ચોરી કરીને વતન જતો રહ્યો:
સોસાયટીના કેમેરામાં લાલ શર્ટ પહેરીને આવતો શખ્સ ખુલ્લા ચહેરે હતો તેમજ દુકાનમાં કાઉન્ટર સંભાળતો શ્રવણકુમાર પ્રેમારામ તેતરવાલા હોવાનું જણાઇ આવ્યું હતું. 9 ઓગસ્ટે મામાનું મોત થયાનું કહીને 5 દિવસની રજા લઇને વતન રાજસ્થાન ગયો હતો.
17 ઓગસ્ટે આવીને હાથફેરો કરીને વતન જતો રહ્યા હોવાની બાતમીને કારણે પોલીસની ટીમ બાડમેર જિલ્લાના અંતરિયાળ ગામમાં રવાના થઈ હતી. પકડી પાડવામાં આવેલ શ્રવણની પાસેથી ચોરીના 80,000 રૂપિયાની રોકડ રકમ તથા 6 મોબાઈલ મળી આવ્યા હતા. જેમાંથી 1 મોબાઈલ વેચી દીધી હતો. પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ચોરીનો કારસો રચ્યો હોવાનું કેશિયરે કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.