સુરતમાં બની એવી ઘટના કે… સોશિયલ મીડિયામાં લોભાણી સ્કીમો જોઈને લલચાઈ જતા લોકો એકવાર જરૂરથી વાંચો આ લેખ

Surat News: ફેસબુક પરથી ખરીદી કરતા લોકો માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે.કારણકે સુરતમાં માત્ર રૂપિયા 389 રૂપિયામાં રમકડાંની(Surat News) લોભામણી જાહેરાત મૂકી પૈસા પડાવતા લોકોનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ત્રિપુટી મિત્રો લોકોને સસ્તામાં રમકડાં આપવાની લાલચમાં લોકો પાસેથી ખખેરતા હોવાની જાણ વરાછા પોલીસને થતા વરાછા પોલીસએ ત્રણેય ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફેસબુક પર રમકડાંની લોભામણી જાહેરાત મૂકી લોકો પાસે પૈસા પડાવતા
વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્સમાં રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં 26 વર્ષીય સાગર જોષીએ ફેસબુક ઉપર જાહેરાત જોઈ હતી. માત્ર 389 રૂપિયામાં મોંઘી રમકડાંની કાર મળતી હોવાથી આ યુવકે ચોથી જાન્યુઆરીએ તેમાં ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી શ્યામ એન્ટર પ્રાઇસ નામની યુ.પી.આઈ. આઈ. ડી.માં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બુક બતાવતો ન હતો. થોડા સમયમાં આ વેબસાઈટ જ બંધ થઈ જતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસે આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતાં મોટું રેકેટ બહાર આવ્યું હતું.

3500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી
ફેસબુક ઉપર ફ્લીપકાર્ટ નામની ડમી વેબસાઈટ બનાવીને રમકડાં વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી. માત્ર 389 રૂપિયામાં રમકડાંની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરવામાં આવી હતી. અલગ અલગ 3500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ટોળકી પોલીસ ફરિયાદ નહિ થાય તે માટે નાની-નાની રકમની છેતરપિંડી કરતી હતી.પોલીસે બેન્ક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા છે. જેમાં 13 લાખ 83 હજારથી વધુની મત્તા એકાઉન્ટમાં જમા હતી.આ ટોળકી પોલીસ કાર્યવાહીથી બચવા માટે નાની-નાની રકમની છેતરપિંડી કરતી હતી.

નાની નાની રકમની છેતરપિંડી કરતા હતા
નિખિલ હસમુખ સાવલિયા, અવનીક ભરત વઘાસિયા, લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાવરા છેતરપિંડીને અંજામ આપતા હતા. ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓની કબૂલાત પ્રમાણે તેઓ સસ્તામાં રમકડાં વેચવાની જાહેરાત મૂકી લોકોને છેતરતા હતા. નાણાં મેળવી લઈ કોઈ પણ પ્રકારની ડિલિવરી કરતા ન હતા. ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જો મોટી રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ મથકે ફરિયાદ કરી શકે તેવી શંકા હતી. આ માટે નાની રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતાં હોવાથી નાની નાની રકમની છેતરપિંડી કરતા હતા. પૈસા પડાવી આ ત્રિપુટીએ લાખો રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.આ ટોળકી દ્વારા છેતરાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.