VNSGU 55મો પદવીદાન સમારોહ: પાઘડી અને પરંપરાગત વેશ સાથે 17,375 યુવા છાત્ર-છાત્રાઓને પદવી એનાયત

VNSGU Graduation Ceremony: આજે રોજ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલા 55માં પદવીદાન સમારોહમાં ભરૂચમાં રહેતી 23 વર્ષીય સરસ્વતી(VNSGU Graduation Ceremony) રાઠોડે સંસ્કૃત ભાષામાં 3 ગોલ્ડ મેડલ સાથે M.A.(માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.જેને લઇ તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સિદ્ધિ અંગે સરસ્વતી રાઠોડે જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને પરિવારમાં ઉચ્ચ અભ્યાસ કરનાર હું પ્રથમ અને એકમાત્ર દીકરી છું,મારા માતાપિતાએ આ મુકામ સુધી મને પહોંચાડવા ખુબ જ સાથ આપ્યો છે અને તેમના આ સપોર્ટના કારણે જ આજે હું અહીંયા પહોંચી છું.એમ જણાવી સરસ્વતીએ ભવિષ્યમાં સરકારી શાળામાં શિક્ષક બની પોતાના જેવા અનેક ગરીબ બાળકોને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું ધ્યેય હોવાનું જણાવ્યું હતું.

સરસ્વતી હાલ વલસાડમાં B. EDનો અભ્યાસ કરે છે અને M.ED કરી શિક્ષક બનવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, 10મુ ધોરણ પૂરું કર્યા બાદ સંસ્કૃત ભાષા તરફ વધેલા ઝુકાવને કારણે મેં આ વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું હતું. ત્યારે આધુનિક યુગમાં જ્યાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત બની પોતાની પરંપરાને ભૂલી ગેરમાર્ગે દોરવાઈ જાય છે, ત્યારે હું સંસ્કારી ભાષા એવી સંસ્કૃત ભાષાના માધ્યમથી બાળકોને ભારતીય સંસ્કૃતિ, ભાષાની જનની સંસ્કૃતની સુંદરતા, વિશેષતાથી સૌને અવગત કરવા ઈચ્છું છું. સંસ્કૃત ભાષા સાથે તાદાત્મ્ય સાધી વિદ્યાર્થીઓ પરિવાર કે સમાજ પ્રતિ જવાબદારીભર્યું વર્તન કરશે. સરસ્વતીએ ન માત્ર પોતાના પરિવાર પરંતુ સમગ્ર સમાજની દીકરીઓ માટે આદર્શ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા
આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાં મા પ્રમદ:’- સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા તેમણે જણાવ્યું હતું.સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતા તેમણે ઉમેર્યું કે, વિશ્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે.

સમારોહની વિશેષતાએ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 55માં પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે,તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી.

પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 96 અભ્યાસક્રમોના 17,375 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 81 પી.એચ.ડી. તથા 4 એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતાએ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનાવવાની રાજયપાલએ હિમાયત કરી
રાજયપાલએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવોનો આપણો સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ. દિકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનાવવાની રાજયપાલએ હિમાયત કરી હતી.