કોરોના(Corona)ના વધી રહેલા કેસ વચ્ચે ફરી એક નવા વાયરસે કેરળમાં સરકાર અને વહીવટીતંત્રને મુશ્કેલીમાં મુકી દીધું છે. આ નોરોવાયરસ(Norovirus) છે. કેરળ(Kerala)ના બે બાળકોમાં આ વાયરસ જોવા મળ્યો છે, કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે(Veena George) આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે, ચિંતા કરવાની જરૂર નથી. બાળકોની હાલત સ્થિર છે. નોરોવાયરસ એક અત્યંત ચેપી રોગ છે, જે સામાન્ય રીતે દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે.
તિરુવનંતપુરમના વિહિંજમમાં નોરોવાયરસનો નવો ચેપ સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે જે જગ્યાએ બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે તેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રોગચાળો ન ફેલાય તે માટે વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે. નિમ્ન પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓમાં આ ચેપ જોવા મળ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે શાળાઓમાં વિતરણ કરવામાં આવેલ મધ્યાહન ભોજન ખાધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને સામાન્ય શિક્ષણ અને નાગરિક પુરવઠા વિભાગે રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને આ રોગના ફેલાવાને રોકવા માટેના પગલાંની જાહેરાત કરી હતી. જેમાં મધ્યાહન ભોજન બનાવતી વખતે સ્વચ્છતાની ખાસ કાળજી લેવી, પાણીની ટાંકીઓ સાફ કરવી અને સ્ટાફને જાગૃત કરવાનો સમાવેશ થાય છે.
નોરોવાયરસ સામાન્ય રીતે દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના પ્રારંભિક લક્ષણો ઉલ્ટી અને ઝાડા છે, જે વાયરસના સંપર્કમાં આવ્યાના એક કે બે દિવસ પછી શરૂ થાય છે. દર્દીને ઉલ્ટી જેવું લાગે છે અને પેટમાં દુ:ખાવો, તાવ, માથાનો દુ:ખાવો અને શરીરમાં દુખાવો થાય છે. આ વાયરસ વ્યક્તિને વારંવાર તેનો શિકાર બનાવી શકે છે કારણ કે તેના ઘણા પ્રકારો છે. જંતુનાશકો પણ આ વાયરસ પર કામ કરતા નથી અને તે 60 ડિગ્રી તાપમાનમાં પણ જીવી શકે છે. મતલબ કે પાણી ઉકાળીને અથવા ક્લોરિન ઉમેરીને આ વાયરસને મારી શકાતો નથી. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા છતાં આ વાયરસ જીવિત રહી શકે છે.
સામાન્ય રીતે આ ચેપ જીવલેણ હોતો નથી, પરંતુ બાળકો અને વૃદ્ધોને ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. ચેપ અને વધુ પડતી ઉલ્ટી અને ઝાડાને કારણે તેમની સ્થિતિ ગંભીર બની શકે છે. મોટાભાગના દર્દીઓ થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે. આ વાયરસના પીડિતને કોઈ ચોક્કસ દવા આપવામાં આવતી નથી. આને અવગણવા માટે, શૌચાલય બાદ અથવા ડાયપર બદલ્યા પછી તમારા હાથને વારંવાર સાબુથી ધોવા. ખાવું અથવા ખોરાક બનાવતા પહેલા હાથ કાળજીપૂર્વક ધોવા જોઈએ. ગયા વર્ષે પણ આ વાયરસ કેરળમાં ફેલાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.