લગ્નના દિવસે જ દીકરીની ડોલીની જગ્યાએ ઉઠી અર્થી- પિતા અને ભાઈએ કઠણ હૈયે આપી અંતિમ વિદાય

પંચમહાલ(ગુજરાત): ગોધરા(Godhra)માંથી એક કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જેમાં ઘોઘંબા તાલુકા(Ghoghamba)ના કંકોડાકોઈ ગામ(Kankodakoi village)માં લગ્નના દિવસે જાનના આગમન પહેલા જ કન્યાનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં દુઃખદ મોત નીપજ્યું હતું જેને કારણે સમગ્ર સોલંકી પરિવાર(Solanki family) અને ગામ-સમાજમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં રહેતાં ચન્દ્રસિંહ સોલંકીના દીકરી વંદના કુંવરબાના લગ્ન વડદલા ગામના દેવેન્દ્રસિંહ સાથે ગોઠવાયા હતા. 23 તારીખના દિવસે બપોરે ત્રણ વાગ્યે વંદના કુંવરબા પ્રભુતામાં પગલાં પાડવાની હતી. આ લગ્ન પ્રસંગ નિમિતે સામાજિક રિતિ રિવાજ મુજબ ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ સહિતની તમામ વિધી 21 અને 22 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ હતી.

આ ઉપરંત, 22 જાન્યુઆરીએ રાત્રે ગરબા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વજનોના સથવારે વંદનાકુંવરબા પણ હોંશે હોંશે ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. બીજા દિવસે 23 જાન્યુઆરીએ હસ્ત મેળાપ વિધિ હોવાથી પરિવારનાં સભ્યો લગ્નમાં આવેલા મહેમાનોની સરભરા અને જાનનાં આગમન માટે તૈયારીઓમાં જોડાયા હતા.

આ દરમિયાન, અચાનક જ વંદના કુંવરબાને ચક્કર આવી પડી ગયા હતાં જેને કારણે સ્વજનોમાં દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક વંદનાને સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ ઉપરના ડોકટરો દ્વારા વંદનાને તપાસ કરી જણાવવામાં આવ્યું કે, તેણીનું બ્લડ પ્રેશર ઓછું થવાથી અવસાન થયુ છે. આ જાણતા જ સ્વજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

પથ્થર દિલને પીગળાવી દે એવા હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ઉઠ્યું હતું. બીજી તરફ નવજીવનમાં ડગ માંડવા માટે લગ્નોત્સુક વરરાજા અને સ્વજનો જાન લઈ આવવાની તૈયારીમાં હતા. આ દરમિયાન, તેમને પણ વંદના કુંવરબાનાં દુઃખદ અવસાનનાં સમાચાર મળતા જ તેઓ પણ શોકમગ્ન બની ગયા હતા.

આખરે વંદના કુંવરબાનાં લગ્ન માટે થયેલી તૈયારીઓ અને વાગી રહેલા શરણાઈના સુરનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જે ઘર આંગણેથી ડોલી ઉઠવાની તૈયારીઓ હતી એ જ ઘરમાં નવ દંપતી પ્રભુતામાં ડગ માંડતી વેળાએ જે પુષ્પ અને ફૂલ હાર વંદનાના મૃતદેહ માટે સીમિત બની ગયા. આખરે વંદનાના પિતા-ભાઈ સહિતે ભારે હૈયે વંદનાની અર્થીને કાંધ આપી હતી. આ દરમિયાન આખું ગામ હીબકે ચડી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *