ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત પધાર્યા છે. અરવિંદ કેજરીવાલ બપોરે 2 વાગ્યે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત સેંકડો કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ પોરબંદર એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે અમે દ્વારકા જઈ રહ્યા છીએ અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન પણ કરીશું. આ સિવાય ત્યાં ખેડૂતોને મળીશું અને જાહેરાત કરશું કે ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ શું આયોજન કર્યું છે, ખેડૂતો માટે શું ગેરંટી છે. અત્યાર સુધી અમે મહિલાઓ માટે ગેરંટી, યુવાનોને રોજગારની ગેરંટી, વીજળીની ગેરંટી, શાળાની ગેરંટી, હોસ્પિટલની ગેરંટી આપી છે. તેવી જ રીતે આજે અમે ખેડૂતોને ગેરંટી આપીશું. છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતોની વચ્ચે ફરી રહ્યા છે અને ખેડૂતોની સમસ્યાઓ જાણી રહ્યા છે. આજે આપણે વાત કરીશું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવશે.
અરવિંદ કેજરીવાલએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતોની સૌથી મોટી સમસ્યા દેવું છે, આ સિવાય જ્યારે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ત્યારે ખેડૂતોને તેમના વીમાના પૈસા માટે ઘણા ધક્કા ખાવા પડે છે, આ એક મોટી સમસ્યા છે. ત્રીજી સૌથી મોટી સમસ્યા એ છે કે MSP માત્ર કહેવાની છે પરંતુ ખેડૂતોને તેમના પાકના પૂરા ભાવ મળતા નથી, આ સિવાય ખેતી માટે જે વીજળી મળવી જોઈએ તે યોગ્ય સમયે મળતી નથી અને બહુ ઓછી વીજળી મળે છે આ પણ એક મોટી સમસ્યા છે. આ ઉપરાંત ખેડૂતોની જમીનનો સર્વે પણ ખોટો થયો છે જેના કારણે અનેક ખેડૂતો પરેશાન છે.
માછીમારો મને મળવા આવ્યા છે, તે તમામ માછીમારોનું હું સ્વાગત કરું છું. તેઓ મને મળવા દિલ્હી પણ આવ્યા હતા. ક્યારેક એવું બને છે કે માછલી પકડતી વખતે તેઓને ધ્યાન રહેતું નથી અને તેઓ પાકિસ્તાનની બોર્ડર પર પણ જતા રહે છે, માટે આજે 600 થી વધુ માછીમારોને પાકિસ્તાનનાં લોકોએ જેલમાં બંધ રાખ્યા છે. તેમને જેલમાંથી છોડતા નથી અને વર્ષોથી ઘણા બધા માછીમારો જેલમાં કેદ છે. અમે તેમની આ માંગણીને લઇને કેન્દ્ર સરકાર પાસે જઇશું અને વિનંતી કરીશું કે, પાકિસ્તાન સરકાર સાથે આ મુદ્દે વાત કરીને તેમને મુક્ત કરવામાં આવે. અમને જાણવા મળ્યું છે કે પોરબંદર એયરપોર્ટથી દિલ્લી, મુંબઇની ફ્લાઇટને બંધ કરવામાં આવી છે, એરપોર્ટ પર ફ્લાઇટ બંધ ન થવી જોઇએ. ગુજરાત સરકાર તો ડબલ એન્જિનની સરકાર છે પરંતુ આજે અહીં તમામ એન્જિન ફેલ થયા છે. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, તમે અમને વોટ આપો અમે બંધ પડેલા બધા એન્જીનો ચાલું કરાવી દઇશું.
પોરબંદર એરપોર્ટથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારકા જવા રવાના થયા હતા. જ્યાં તેઓ ખેડૂતો સાથે જન સંવાદ કરીને ગુજરાતની જનતા સમક્ષ ખેડૂતો માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દ્વારકામાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે, હું પૂરા વિશ્વાસની સાથે કહી શકું છું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન બલરામના આશીર્વાદ હંમેશા આપણા સૌ પર રહેશે. 27 વર્ષમાં આ લોકો દાટ વાળી દિધો છે છે, ભગવાન હવે તેમનું સુદર્શન ચક્ર ચલાવીને તેને સુધારી નાખશે. ડિસેમ્બરમાં ગુજરાતમાં ઇમાનદાર સરકાર આવશે. મને ગુજરાતની જનતા તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, ગુજરાતની જનતા તરફથી મળતા આ પ્રેમ અને આદરને કારણે હું આખી જીંદગી ગમે તે કરી લઉં, તે પાછો નહીં આપી શકું. તે માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એક વ્યક્તિએ મને કહ્યું હતું કે લોકો તમને એટલા માટે પ્રેમ કરે છે કારણ કે તમે જનતાનાં મુદ્દાઓને ઉઠાવો છો. મને રાજનીતિ કેવી રીતે કરવી તે આવડતું નથી, હું રાજનીતિ કરવા નથી આવ્યો, હું દેશ બદલવા આવ્યો છું. હું ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માંગુ છું.
માત્ર ભાષણો આપીને ભારત દેશ નંબર વન નહીં બને, આ માટે આપણે સારી શિક્ષણ વ્યવસ્થા લાગું કરવી પડશે, સારી આરોગ્ય સવલતો આપવી પડશે, વિજળીની વ્યલસ્થા કરવી પડશે, ખેડૂતોનાં મુદ્દાઓને સાંભળવા પડશે, દેશને સમૃદ્ધ બનવું પડશે ત્યારે જઇને ભારત દુનિયાનો નંબર વન દેશ બનશે. બીજી પાર્ટી આવે છે અને વચનો આપીને જતી રહે છે અને 5 વર્ષ સુધી આરામની જીંદગી જીવે છે અને ચૂંટણીનાં સમયે પાછા આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી ખોટા વચનો નથી આપતી, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. જેવી રીતે કેટલાક માલસામાનમાં પણ એક ગેરંટી હોય છે કે જો માલ સારો ન નીકળે, તો માલને પાછો આપવો પડશે. તેવી જ રીતે, હું તમારા બધા પાસેથી 5 વર્ષની ગેરંટી માંગવા માંગુ છું કે જો હું તમારી ગેરંટી પૂરી નહીં કરું એ પછી અમને વોટ ન આપતા.
અમે ગુજરાતમાં રોજગારની ગેરંટી આપી છે, જેમાં દરેક બેરોજગારને રોજગાર આપવામાં આવશે અને જ્યાં સુધી યુવાનોને રોજગાર નહીં મળે ત્યાં સુધી તે તમામ બેરોજગાર યુવાનોને ₹3000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે 10,00,000 સરકારી નોકરીઓનું સર્જન કરીશું. અને જે ભરતીના પેપર લેવાના બાકી છે તે તમામ પરીક્ષાઓ લઈને ભરતી કરવામાં આવશે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા લેવાશે. આ બાદ એપ્રિલ-મે સુધીમાં સૌને નોકરી મળી જશે. જે પેપર લીક થઇ રહ્યા છે તેમની સામે કાયદો બનાવવામાં આવશે. 2015 પછી લીક થયેલા તમામ પેપરોની તપાસ કરવામાં આવશે અને તેમને સજા કરો. પેપર લીક કરનારને 10 વર્ષની જેલનો કાયદો લાવીશું.
અમે ગુજરાતમાં વીજળીની ગેરંટી આપી છે. દિલ્હીમાં સૌને મફત વીજળી મળે છે. અમે એ કર્યું છે જે દુનિયામાં કોઈ કરી શક્યું નથી. આ જાદુ ફક્ત કેજરીવાલને જ આવડે છે અને બીજા કોઈને નથી આવડતું. એ બાદ જ્યારે પંજાબમાં અમારી સરકાર બની ત્યારે પંજાબમાં પણ વીજળીનું બિલ ઝીરો આવવા લાગ્યું છે. ગુજરાતમાં પણ સરકાર બનાવો, સરકાર બન્યાના 3 મહિના પછી તમારું વીજળીનું બિલ ઝીરો આવશે. અને તમારા જૂના બિલ જે પણ હશે, તે 31 ડિસેમ્બર સુધીના તમામ બિલ માફ કરવામાં આવશે. અને આવનારા સમયમાં સૌને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.
હું એવી ઘણી બહેનોને ઓળખું છું જેમની પાસે આવવા-જવાનાં પૈસા ન હોવાને કારણે તેમનો અભ્યાસ છૂટી ગયો છે. મોંઘવારીથી તમામ મહિલાઓ હેરાન છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને ₹ 1000 સન્માન રાશી આપવામાં આવશે.
તમે સાંભળ્યું જ હશે કે, અમે દિલ્હીની બધી સરકારી શાળાઓને શાનદાર બનાવી છે. જેમાં ગરીબોના બાળકો, મજૂરોના બાળકો, ખેડૂતોના બાળકો, રિક્ષાચાલકોના બાળકો ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. તેમના માતાપિતાની ગરીબી દૂર થઇ રહ્યી છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવવામાં આવશે. ગુજરાતમાં પ્રાઇવેટ શાળાઓની ગુંડાગીરીનો અંત લાવવા માટે તમામ પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરવામાં આવશે. જેમણે વધુ ફી લઇ રાખી છે, તેમની પાસેથી ફી પાછી લેવામાં આવશે અને કોઈપણ પ્રાઇવેટ શાળાને મનમાની કરીને ફી વધારવા નહીં દઇએ.
અમે દિલ્હીમાં દરેક વ્યક્તિ માટે તમામ સારવાર મફત કરી છે. રોગ ગમે તેટલો મોટો હોય, તમારી બધી દવાઓ મફત, તમારા બધા ટેસ્ટ મફત અને તમારા બધા ઓપરેશન મફત. તેવી જ રીતે, ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલો સારી હશે અને સૌ ગુજરાતીઓને મફતમાં સારવાર મળશે. ખેડૂતોની ગેરંટીની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, દરેક વખતે સરકાર MSPની જાહેરાત કરે છે, પરંતુ કોઈ પણ ખેડૂતો પાસેથી MSP પર કોઈ પાક ખરીદતું નથી, પરંતુ અમારી સરકાર આવ્યા પછી અમે ખેડૂતો પાસેથી MSP પર પાક ખરીદીશું. 5 પાકોથી શરૂ થશે અને દર વર્ષે ધીમે ધીમે પાક વધારશે. અમે MSP પર ઘઉં, ચોખા, કપાસ, ચણા અને મગફળી ખરીદીશું અને દર વર્ષે તેમાં અન્ય પાક ઉમેરતા રહીશું.
સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રીને 24 કલાક મફત વીજળી મળે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને રાત્રે 2:00 વાગ્યે વીજળી મળે છે, આ ખેડૂતો સાથે અન્યાય છે. તો અમારી બીજી ગેરંટી એ છે કે અમારી સરકાર બન્યા બાદ ખેડૂતોને ખેતી માટે દરરોજ 12 કલાક વીજળી આપવામાં આવશે. ભાજપ સરકારે ખેડૂતોની જમીનો અંગે જે પણ સર્વે કર્યો છે તે ખોટો છે અને તેના કારણે અમારી ત્રીજી ગેરંટી છે કે અમારી સરકાર બન્યા બાદ ખેડૂતો સાથે મળીને નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે અને આ સર્વે ખેડૂતો કરશે.
ખેડૂત ખૂબ મહેનતથી અને મોટા પ્રમાણમાં મૂડી ખર્ચીને ખેતી કરે છે, પરંતુ ક્યારેક તેનો પાક બરબાદ થઈ જાય છે અને વીમા કંપની પણ તેમને ધક્કા ખવડાવે છે. અમારી ચોથી ગેરંટી છે કે દિલ્હીની જેમ ગુજરાતના ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવા પર પ્રતિ એકર ₹20000નું વળતર આપવામાં આવશે. અમારી પાંચમી ગેરંટી છે કે નર્મદાનો જેટલો પણ કમાન્ડ ક્ષેત્ર છે તે દરેક ખૂણે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે જેથી ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે. આ સાથે ઇસુદાનભાઇએ આપેલી લોન માફીની સુપર ગેરંટી પણ પુરી કરવામાં આવશે.
આજે આખા દેશમાં મોંઘવારી આસમાનને આંબી રહી છે અને આ મોંઘવારી પાછળનું કારણ છે કે ભાજપ સરકારે છેલ્લા 5-7 વર્ષમાં ઘણી બધી વસ્તુઓ પર ટેક્સ લગાડ્યો છે. આજે દહીં, છાશ, ઘઉં, ચોખા અને ગરબા પર પણ ટેક્સ લાદવામાં આવ્યો હતો. અંગ્રેજોએ ખાદ્ય ચીજ વસ્તુઓ પર ક્યારેય ટેક્સ લગાવ્યો ન હતો, પરંતુ ભાજપ સરકારે ખાદ્ય ચીજ વસ્તુઓ પર પણ ટેક્સ લગાવ્યો અને તેના કારણે આજે સમગ્ર દેશમાં મોંઘવારી વધી રહી છે. આ લોકોએ તેમના અબજોપતિ મિત્રોના અબજો અને ટ્રિલિયન રૂપિયાના દેવા માફ કર્યા છે જે તેઓ આટલો બધો ટેક્સ લગાવીને એકઠા કરે છે. એક અબજોપતિએ 8000 કરોડની લોન લીધી હતી, પરંતુ સરકારે તેની પાસેથી માત્ર 300 કરોડ જ પાછા લીધા અને બાકીની લોન માફ કરી દીધી. અન્ય એક ઉદ્યોગપતિએ 5600 કરોડની લોન લીધી હતી પરંતુ તેમાંથી 40 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકીની રકમ માફ કરી દેવામાં આવી હતી. આ જ રીતે તેણે પોતાના અબજોપતિ મિત્રોની 10 લાખ કરોડની લોન માફ કરી દીધી છે.
જ્યારે કોઈ મિત્ર આ સરકારો પાસે આવીને કહે કે મેં 5000 કરોડની લોન લીધી છે, તેને માફ કરો, ત્યારે ભાજપ સરકાર તેના મંત્રીને બોલાવે છે અને કહે છે કે દહીં પર ટેક્સ લગાવી દો અને દહીં પર ટેક્સ લગાવ્યા પછી જે પૈસા આવે છે તેનાથી અબજોપતિ ઉદ્યોગપતિની લોન માફ કરવામાં આવે છે. બીજો મિત્ર આવે છે, તે કહે છે કે તેણે 10 હજાર કરોડની લોન લીધી છે, તેને માફ કરો, પછી તેઓ મધ પર ટેક્સ લગાવે છે અને તે ટેક્સમાંથી આવતા પૈસાથી તે અબજોપતિ મિત્રની લોન માફ કરે છે. હું માનું છું કે, અબજોપતિ મિત્રોની લોન માફ ન કરવી જોઈએ, પરંતુ ખેડૂતોની લોન માફ કરવી જોઈએ.
અત્યારે બીજેપીના લોકો પણ અન્ય રાજ્યોની જેમ દિલ્હી સરકારના ધારાસભ્યોને ખરીદવા માંગે છે અને આ માટે તેઓ 800 કરોડ ખર્ચવાના હતા. પરંતુ દિલ્હીનો એક પણ ધારાસભ્ય વેચાયા ન હતા પરંતુ અત્યાર સુધી આખા દેશમાં 277 ધારાસભ્યો ખરીદ્યા છે અને તેના માટે આ લોકોએ 6500 કરોડનો ખર્ચ કર્યો છે અને આ બધા પૈસા એકઠા કરવા માટે જનતા પર ટેક્સ વધાર્યો છે, તમારા પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરીને આ લોકો ધારાસભ્યોને ખરીદે છે. એટલે મોંઘવારી વધી રહી છે, ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશું.
ભાજપ પાસે સંપૂર્ણ સત્તા છે, તેમની પાસે પોલીસ છે, CBI, ED છે, આવકવેરા વિભાગ છે, પરંતુ અમારી પાસે ભગવાન શ્રીકૃષ્ણ છે. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ અમારી સાથે છે. અમે દિલ્હીમાં 18 લાખથી વધુ ગરીબ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે, તે ગરીબ માતા-પિતાના આશીર્વાદ પણ અમારી સાથે છે, અમે હજારો-લાખો લોકોની મફતમાં સારવાર કરીએ છીએ, તે લોકોના આશીર્વાદ પણ અમારી સાથે છે. અને આ કારણથી આજે માત્ર 10 વર્ષ જૂની પાર્ટી હોવા છતાં દેશના બે રાજ્યોમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર છે અને ગુજરાતમાં પણ અમે સરકાર બનાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
હું ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે, જો તમને સારી શાળા, સારી હોસ્પિટલ, યુવાનો માટે રોજગાર, મફત વીજળી જોઈતી હોય તો તમે અમને મત આપો પણ જો તમારે ગુંડાગીરી, ભ્રષ્ટાચાર જોઈતો હોય તો ભાજપને મત આપો. આંગણવાડી કાર્યકરો, આશા વર્કર, હોમગાર્ડ, સાગર રક્ષા દળ, ST બસના કાર્યકરો, 108 ના કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ, આઉટસોર્સના કર્મચારી આ બધા આજે મને કહે છે કે અમારો મુદ્દો પણ ઉઠાવો, હું તેમને કહેવા માંગુ છું કે હું તમારો મુદ્દો ઉઠાવીશ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ માત્ર 1 મહિનામાં તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ.આમ આદમી પાર્ટી એક ગરીબ પાર્ટી છે, અમારી પાસે પૈસા નથી, આ માટે ગુજરાતની જનતાએ એક કામ કરવું પડશે, આમ આદમી પાર્ટીએ આપેલી તમામ બાંહેધરી ઘરે ઘરે જઈને લોકોને જણાવવી પડશે. આ ગેરંટી વિશે ચર્ચા કરજો અને દરેક એક માણસ 100 100 વોટ લઇને આવજો.
આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દ્વારકામાં સભાને સંબોધતા કહ્યું કે, આજે અરવિંદ કેજરીવાલજી ખેડૂતો માટે મોટી જાહેરાત કરવાના છે. ઘણા લોકોએ મને ફોન કરીને પૂછ્યું હતુ કે ઈસુદાનભાઈ, શું તમે ખેડૂતોને ભૂલી ગયા છો? ત્યારે મેં કહેલું કે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે લડવા માટે નહીં મરવા માટે પણ તૈયાર નથી, ખેડૂત મારો જીવ છે. હું રાજકારણમાં એટલા માટે આવ્યો છું કે હું ગરીબ ખેડૂતો અને મજૂરોનું દુઃખ જોઈ શકતો નહોતો. હું આ દ્વારકાધીશની ધરતી પરથી જાહેર કરું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતના તમામ ડેમ એક વર્ષમાં ભરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ માતા અને બહેનોએ કોઈની સામે હાથ ફેલાવવા નહીં પડે. બીજી વખત જ્યારે 5 વર્ષ સુધી સરકાર બનશે એ પહેલા માતા અને બહેનોનાં ખાતામાં 1000 રૂપિયા જમા થઇ જશે.
અરવિંદજીનું સપનું છે કે ભારતને સારું શિક્ષણ આપવું, હોસ્પિટલ આપવી. મારું સપનું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં જાતિ અને ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે પરંતુ હવે હું તમને સૌને વિનંતી કરું છું કે ખેડૂતોને એક કરવાનો સમય આવી ગયો છે. હું કોઈ જાતિ કે ધર્મનો નથી પરંતુ ખેડૂત સમાજનો સાથ ઈચ્છું છું. આમ આદમી પાર્ટીની ક્રાંતિ આવી છે. અહીં માછીમારોનો મોટો પ્રશ્ન છે, સ્થાનિક બેરોજગારીનો પ્રશ્ન છે. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, હું ખાતરી આપું છું કે તમે જે રીતે કહેશો તે રીતે વ્યવસાય થશે એની હું ગેરંટી આપું છું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલજી ઉપર વિશ્વાસ છે. કેજરીવાલજી જે કહેશે તે કરી બતાવશે એ વિશ્વાસ આખા દેશને છે. ભાજપની તાનાશાહી, ગુંડાગીરીથી ખેડૂતોને જ્યારે હેરાન કરવામાં આવશે ત્યારે ભગવાન કૃષ્ણ અહીં આવીશે અને ભાજપનો વિનાશ કરીને ખેડૂતોને છોડાવશે. ભગવાન શ્રીકૃષ્ણ આવી ચૂક્યા છે અને આજે અરવિંદ કેજરીવાલ અહીં અર્જુન બનીને આવ્યા છે, આપણે સૌએ તેમની સેના બનીને વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઝાડુને સમર્થન આપવું પડશે.
ભાજપ સરકાર કોરોના વાયરસ અને લમ્પી વાયરસમાં નિષ્ફળ ગઈ છે. ભાજપ સરકારને ભ્રષ્ટાચારનો વાઈરસ લાગ્યો છે, જેને આપણે ઝાડુ વડે દૂર કરવો પડશે, ત્યારે જ આપણે ગુજરાતમાં આગળ વધી શકીશું. વર્ષો સુધી આપણું શોષણ કરવામાં આવ્યું અને કોઈને આગળ પણ નથી આવવા દિધા, આવા સમયે આશાનું કિરણ બનીને અરવિંદ કેજરીવાલ આપણી સાથે આવ્યા છે. તેમણે નાના ઘરના લોકોને પોતાની વાત કહેવાનું એક પ્લેટફોર્મ આપ્યું છે. આપણી સાથે રહીને, આપણા પ્રશ્નોને સમજીને, તેના ઉકેલ લાવવાનો પ્રયત્ન કરનાર મોટા નેતા છે એવી વ્યાખ્યા રાજકારણમાં બનાવી છે. આજે હજારો યુવાનોને તેમની સાથે વાત કરવાની તક મળી છે.
દ્વારકામાં ખેડૂતોને ગેરંટી આપ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે જવા રવાના થયા હતા. દ્વારકાધીશ મંદિરે પહોંચીને અરવિંદ કેજરીવાલજીએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવી ગુજરાત અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલજી પોરબંદર જવા રવાના થયા હતા. આ પછી અરવિંદ કેજરીવાલ પોરબંદરથી રાજકોટ જવા રવાના થયા હતા.
આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ખેડૂત વિંગના પ્રમુખ રાજુ કરપડા, યુવા વિંગના અધ્યક્ષ પ્રવિણ રામ સહિત પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.