એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના શૂટરોએ ભારતીય ટીમને ગૌરવ અપાવતા બેવડા સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. જુનિયર શૂટિંગ ઈવેન્ટમાં ગુજરાતના કેવલ પ્રજાપતિ અને મેહુલી ઘોષની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. જ્યારે સિનિયર લેવલની ઈવેન્ટમાં ગુજરાતની ઈલાવેનિલ વાલારિવન અને રવિ કુમારની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ભારતે આ સાથે તાઈપેઈમાં ચાલી રહેલી એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપના બીજા દિવસે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. અગાઉ પ્રથમ દિવસે ભારતને મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતીય શૂટરોએ જુનિયર કેટેગરીની ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
ગુજરાતના શૂટર કેવલ પ્રજાપતિ અને મેહુલી ઘોષની જોડીએ ક્વોલિફાઈંગ રાઉન્ડના અંતે ૮૩૮.૫ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ. જ્યારે ભારતના જ શ્રેયા અગ્રવાલ અને યશ વર્ધન ૮૩૧.૨ ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યા હતા. જોકે ફાઈનલમાં શ્રેયા અને યશની જોડી આગળ નીકળી ગઈ હતી અન તેમણે માત્ર ૦.૪ પોઈન્ટ્સના અંતરથી કેવલ અને મેહુલીને હરાવતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. શ્રેયા અને યશે ૪૯૭.૩ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મેહુલ અને કેવલને ૪૯૬.૯ના સ્કોર સાથે સિલ્વર મેડલ મળ્યો હતો. કોરિયાની ટીમને બ્રોન્ઝ મળ્યો હતો.
ભારતને જુનિયર શૂટિંગમાં બીજો ગોલ્ડ મળ્યો છે. અગાઉ પ્રથમ દિવસે વિજયવીર સંધૂ અને ઈશા સિંઘની જોડીએ જુનિયર ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી.
ઈલાવેનિલ અને રવિની જોડીએ ક્વોલિફાઈંગમાં ૮૩૭.૧નો સ્કોર કર્યો હતો. જોકે ફાઈનલમાં તેમને કોરિયાના પાર્ક સુન્મીને અને શીન મિન્કીએ હરાવ્યા હતા. ફાઈનલમાં કોરિયન ટીમે ૪૯૯.૬ ના સ્કોર સાથે ગોલ્ડ અને ભારતીય જોડીએ ૪૯૮.૪ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તાઈપેઈની ટીમને બ્રોન્ઝ મળ્યો હતો, જ્યારે દીપક કુમાર અને અપૂર્વી ચંદેલાને ચોથો ક્રમ મળ્યો હતો.