ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧૩મીથી ૨૦મી નવેમ્બર સુધી ઉલ્કાવર્ષા જોવા મળશે. ઉલ્કાવર્ષા સિંહ રાશિમાં થવાની હોવાથી તેને લિયોનીડ્સ નામ અપાયું છે. દર કલાકે ૧૫થી ૨૦ ઉલ્કા આભમાં તેજ લિસોટા કરશે. તે નિહાળવાનો શ્રેષ્ઠ સમય રાતે ૧.૦૦થી પરોઢ સુધીનો છે. રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખગોળ રસિયાઓ ઉલ્કાવર્ષાની મજા લૂંટશે.
તસ્વીરો સાંકેતિક છે.
દર વર્ષે નવેમ્બર માસમાં જોવા મળે છે આ નજારો
ઓક્ટોબરમાં દુનિયાએ ડેક્રોનિક્સ અને ઓરિયોનિડ્સ ઉલ્કા નિહાળી હતી. હવે લિયોનિડ્સ ઉલ્કાવર્ષા માણશે. લીયોનિડ્સ ઉલ્કાવર્ષા દર વર્ષે નવેમ્બર માસમાં જોવા મળે છે. મહત્તમ ઉલ્કાવર્ષા તા.૧૬ અને ૧૭ નવેમ્બરની રાતે જોવા મળશે. જ્યારે કોઈ ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થાય ત્યારે તેની પૂંછડીમાંથી પદાર્થોનું વિસર્જન થાય છે.
આ પદાર્થોને પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ ખેંચે ત્યારે તે ઝડપથી આ તરફ ધસી આવે છે. તેની પૃથ્વી તરફ આવવાની ઝડપ ૧ સેકન્ડની ૩૦ કિ.મી. હોય છે. આ દરમિયાન આ પદાર્થો સળગી ઊઠે છે અને આકાશમાં તેજ લિસોટા પાથરે છે. આપણે તેને ફાયર બોલ, અગનગોળા કે ઉલ્કા તરીકે ઓળખીએ છીએ.
ઉલ્કાવર્ષા જોવા માટે આ જગ્યા કરો પસંદ
વિદેશમાં તો શોખીનો ઉલ્કાવર્ષા નિહાળવા પહાડ પર, દરિયા કિનારે અથવા નિર્જન જગ્યા પર જતા રહે છે. એક એક ઉલ્કાની નોંધ કરે છે. દુનિયાભરમાં કોઈ પણ છેડે દેખાતી ઉલ્કાવર્ષાની નોંધ ઇન્ટરનેશનલ મિટિયોર ઓર્ગેનાઇઝેશન રાખે છે. ઉલ્કાવર્ષા નિહાળવા ૧૦ બાય ૫૦ મેગ્નિફિકેશનવાળું દૂરબીન આદર્શ છે. દિવસે પણ ઉલ્કાવર્ષા થતી હોય છે, પણ તે ન દેખાય એ સ્વાભાવિક છે.
40 ટન ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં રોજ પ્રવેશે છે.
રોજ ૪૦ ટન ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી પર અત્યાર સુધી પડેલી ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુ હોવાનો અંદાજ છે. તેમાં લોખંડ અને નિકલ હોય છે. ચુંબકની મદદથી ઉલ્કાની રજને સામાન્ય રજથી છૂટી પાડી શકાય છે. જૂના જમાનામાં લોકો ઉલ્કાવર્ષાને અગન વર્ષા સમજીને ડરી જતા હતા. આજે એવું નથી. આજે લોકો ઉલ્કાવર્ષાનો આનંદ લૂંટે છે. અંધશ્રદ્ધા અને જ્ઞાાન વચ્ચે આટલો ફેર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.