દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ ભારતીય ક્રિકેટ બોર્ડ છે જે સૌ કોઈ જાણે છે. BCCI દ્વારા આયોજિત થતી IPL દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે. જેમાં ભાગ લેવો દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ માટે સપનું હોય છે કારણકે IPLના 45-60 દિવસમાં કરોડો રૂપિયાની કમાણી થઇ જતી હોય છે.
ઓસ્ટ્રેલિયાની પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્ક માને છે કે, ઓસ્ટ્રેલિયાના કેટલાક આક્રમક ક્રિકેટરોએ પાછલી ભારત સાથેની સીરીઝમાં પોતાનો સ્વભાવ બદલી નાખ્યો હતો. આઇપીએલની જંગી કમાણી કરવા માટે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓએ સ્વભાવ બદલી નાંખ્યો હતો. આઇપીએલમાં કોહલી બેંગ્લોરની ટીમનો કેપ્ટન હતો અને તે ટીમમાં તે કહે તેમ જ થતું. મોટાભાગના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કોહલીની ગૂડબૂકમાં રહેવા માટે પ્રયાસ કરતાં. ખેલાડીઓ વિચારતાં કે, જો હું કોહલીનું સ્લેજિંગ નહિ કરું તો તે મને તેની ટીમમાં સામેલ કરશે અને હું છ સપ્તાહની લીગમાં ૧૦ લાખ અમેરિકી ડોલર્સની કમાણી કરી શકીશ.
માઈકલ ક્લાર્કે ઊમેર્યું કે, મને લાગે છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત એક ચોક્કસ એવા તબક્કામાંથી પસાર થયું કે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું ભારતીય ક્રિકેટરો તરફનું વલણ કૂણું રહ્યું હતુ. આ વર્તન સ્પષ્ટ જોવા મળ્યું હતુ. નોંધપાત્ર છે કે, ક્લાર્ક સહિતના ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો ૨૦૦૮ના મંકી ગેટ વિવાદને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને સૌથી નિમ્ન પોઈન્ટ તરીકે ઓળખાવ્યો હતો.
ક્લાર્કે બીગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટ સાથે વાતચીત કરતાં કહ્યું કે, જ્યારે ક્રિકેટના મની પાવરની વાત આવે ત્યારે બધા જાણે છે કે, ભારત કેટલું શક્તિશાળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તે પ્રભાવશાળી છે અને ડોમેસ્ટીક ક્રિકેટમાં આઈપીએલનો પ્રભાવ વિશ્વભર પર જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે, એક ચોક્કસ સમયગાળા માટે ઓસ્ટ્રેલિયા જ નહી, વિશ્વભરની લગભગ તમામ ટીમોના ખેલાડીઓ ભારતીય ક્રિકેટરોની ચાપલૂસી કરતાં. તેઓને કોહલી કે અન્ય ભારતીય ક્રિકેટરોનું સ્લેજિંગ કરતાં ખૂબ જ બીક લાગતી, કારણ કે આ જ ખેલાડીઓ જ આઈપીએલમાં વિદેશી ખેલાડીઓને કેટલી રકમનો ચેક અપાશે તે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતાં.