અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને લાત મારવાના મામલામાં સોમવારે બપોરે ફક્ત ૧૭ કલાકની અંદર નવો વળાંક આવ્યો છે. બલરામ થાવાણીએ જે મહિલા પર હુમલો કર્યો તેને બહેન બનાવી લીધી અને માફી પણ માંગી લીધી. આમ સમાધાન થઈ ગયું. જ્યારે હુમલાનો ભોગ બનનાર મહિલાએ થાવાણીને ‘મોટાભાઈ’ માનીને માફ કરી દીધા અને તેમને રાખડી બાંધી.
નીતુ તેજવાણીના પતિ રાજેશભાઈના કહેવા પ્રમાણે, સમાધાન કરવા માટે તેમની ઉપર ‘દબાણ’ હતું.બીજી બાજુ, ભાજપે થાવાણીને કારણદર્શક નોટિસ આપીને સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો માગ્યો છે.
આ પહેલાં નરોડાની બેઠક ઉપરથી ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ રજૂઆત કરવા પહોંચેલાં નીતુબહેનને લાત મારતા દેખાય છે.
સોમવારે બપોરે નીતુ તથા રાજેશ પોલીસ સ્ટેશનમાં હતાં અને મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (ગુજરાત પાંખ)ના મહાસચિવ નિકુલસિંગ તોમર તેમને મેઘાણીનગર સ્થિત તેમની ઓફિસ ખાતે લઈ ગયાં હતાં. રાજેશનું કહેવું છે કે બાદમાં ત્યાં બલરામ થાવાણી આવ્યા હતા, તેમણે નીતુની અને તેમની માફી માગી હતી.
ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નીતુબહેનના પતિ રાજેશ તેજવાણીએ જણાવ્યું કે તેમની ઉપર સગાંસંબંધી ઉપરાંત સિંધી સમાજના ઘણાં આગેવાનોએ સમાધાન કરવા દબાણ ઊભું કર્યું હતું.
“અમારી પાસે તેમની વાતોને માનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો, એટલે અમે સમાધાન કરી લીધું.” તેવું રાજેશ કહે છે.
રાજેશ કપડાંનાં વેપારી છે અને તેમનાં પત્ની નીતુ સમાજસેવિકા છે. તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કુબેરનગર વૉર્ડનાં મહિલા પ્રમુખ છે.
રાજેશનું કહેવું છે કે રાખડી અંગે તેમને કે નીતુને કોઈ અંદાજ ન હતો તથા આ અંગે અગાઉથી કોઈ વાત કરવામાં આવી ન હતી.
જ્યારે સમાધાન માટે બલરામ થાવાણી નીતુ અને રાજેશને મળ્યા, ત્યારે થાવાણીના માણસો તેમની સાથે રાખડી લાવ્યાં હતાં. બાદમાં નીતુએ સમાધાનના ભાગરૂપે બલરામને આ રાખડી બાંધી હતી.
રાજેશ કહે છે કે રવિવારે સાંજે અમે હૉસ્પિટલમાં હતાં, ત્યારથી સમાધાન કરવા અમારી ઉપર પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે દબાણ થઈ રહ્યું હતું.
સમાધાન બાદ નીતુ તેજવાણીએ કહ્યું કે ‘એમણે કહ્યું કે મે તને કાયમ બેન જ માની છે અને બેન તરીકે જ મે તને થપ્પડ મારી હતી અન મારો કોઈ ખોટો ઈરાદો નહોતો. મેં તેમને ભાઈ માની લીધા છે. અને સમાધાન બધાંએ મળી કર્યું છે.