મોંઘવારીનો હાહાકાર! પેટ્રોલમાં 50% અને ડીઝલમાં 42%નો જંગી વધારો- પ્રથમ વખત આ સ્તરે પહોંચ્યા ભાવ

બાંગ્લાદેશ(Bangladesh)માં ગઈકાલે પેટ્રોલ(Petrol)ના ભાવમાં 51.7 ટકા અને ડીઝલ(Diesel)ના ભાવમાં 42 ટકાનો વધારો થયો હતો. આ કારણે બાંગ્લાદેશમાં મોંઘવારી(Inflation) વધુ વધવાની ધારણા છે. જોકે, ઈંધણના ભાવમાં વધારો થવાથી બાંગ્લાદેશ સરકાર પર સબસિડીનો બોજ ઘટશે. છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. હાલમાં તેની અર્થવ્યવસ્થા $416 બિલિયનની છે.

બાંગ્લાદેશે મોંઘવારીનો સામનો કરવા માટે IMF સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લીધી છે. હકીકતમાં, વિશ્વભરમાં માલસામાનની વધેલી કિંમતોએ બાંગ્લાદેશના આયાત બિલમાં વધારો કર્યો છે, જેના કારણે અર્થવ્યવસ્થા દબાણનો સામનો કરી રહી છે. આ ભાવ વધારા બાદ હવે બાંગ્લાદેશમાં એક લિટર પેટ્રોલની કિંમત 130 ટાકા (બાંગ્લાદેશી ચલણ) અને ડીઝલ 114 ટાકા થશે. 1971માં આઝાદી બાદ પ્રથમ વખત કિંમતો આ સ્તરે પહોંચી છે.

બાંગ્લાદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી હતો. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનામાં સરકારી ઓઈલ કંપની બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને 8 અબજ ટાકાનું નુકસાન થયું છે. બાંગ્લાદેશના ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રી નસરુલ અહેમદે કહ્યું છે કે, નવા ભાવ નિઃશંકપણે દરેક માટે અસહ્ય હશે પરંતુ સરકાર પાસે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે લોકોએ ધીરજ રાખવી પડશે. નસરુલના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતાની સાથે જ દેશમાં પણ ઈંધણના ભાવમાં ઘટાડો થશે. તે જ સમયે, એક અધિકારીએ કહ્યું કે તેમને ઇંધણના ભાવમાં વધારો થવાની ધારણા હતી પરંતુ તેમણે આવા વધારાની કલ્પના કરી ન હતી.

બાંગ્લાદેશમાં ફુગાવાની સ્થિતિ:
દેશમાં ફુગાવાનો દર છેલ્લા 9 મહિનાથી સતત 6 ટકાથી ઉપર રહ્યો છે. બાંગ્લાદેશમાં ફુગાવો જુલાઈમાં 7.48 ટકાએ પહોંચ્યો હતો, જેની સૌથી વધુ અસર ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પર થઈ હતી. આ પરિવારોના રોજિંદા જરૂરી ખર્ચ પર દબાણ વધવા લાગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *