14 જાન્યુઆરીના રોજ કાશ્મીરના પુલવામા માં થયેલા હિચકારી આતંકી હુમલામાં 44 જવાનો શાહિદ થઇ ગયા ત્યાર દેશભરમાં રોષનો માહોલ છે અને શહીદોના પરિવાર માટે કઈક કરી છૂટવા માટે સહાયની ધોધ વહી રહ્યો છે ત્યારે સમાજસેવામાં અગ્રેસર રહેતી BAPS સંસ્થાએ પણ પોતાનું મોટું યોગદાન જાહેર કર્યું છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક કરોડ રૂપિયાની સહાય પુલવામા માં થયેલ હુમલામાં શહીદોના પરિવાર માટે આપવામાં આવે છે, એમ કહી સાધુ ડૉ. બ્રહ્મવિહારીદાસજીએ જાહેર કરી હતી. રવિવારે બી.એ.પી.એસ, સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે રવિસભામાં પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવા માટે આયોજિત ‘પ્રાર્થના સભા’માં જણાવ્યું હતું કે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ કાશ્મીરની આતંકવાદી ઘટના બાદ વ્યથિત થઈ ગયા હતા. તેમણે આ ઘટના બાદ પ્રાર્થના કરી હતી કે સર્વત્ર શાંતિ પ્રસરે અને દિવંગત શહીદોને ભાવાંજલિ પણ અર્પી છે.
ઉલ્લેખનીય છે કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગની રવિસભા-પ્રાર્થના સભાની જેમ વિશ્વના
હજારો કેન્દ્રોમાં લાખો હરિભક્તો દ્વારા પ્રાર્થના થઈ હતી. પ્રાર્થના સભા ત્યારબાદ મંદિરથી લઈને નમસ્કાર સર્કલ સુધી સંતો-યુવાનો દ્વારા દીપ- કેન્ડલ માર્ચ) સંપન્ન થઈ હતી. જ્યારે આ જ રવિસભામાં ગુજરાત યુનવિર્સટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડયાંએ યુનિવર્સિટી વતી બી.એ.પી. એસ.ના સાધુ બ્રહ્મવિહારીદાસજીને “આધ્યાત્મિકતા અને સામાજિક સેવા’માં વિશિષ્ટ પ્રદાન બદલ “માનદ્ પી. એચ. ડી.’નીપદવી એનાયત કરી હતી. સાથે જ પ્રાર્થના સભામાં દેશભક્તિ અને પ્રાર્થના ગીત રજૂ થયા હતા.
સાધુ ડૉ.બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે પરાક્રમ અને પુરુષાર્થ જેટલી જ મહત્તા ધૂન અને પ્રાર્થનાની છે. ગમે તે ક્રિયા કરો તેમાં સારી ભાવના હશે તો તે તમારા પુરુષાર્થ અને પરાક્રમમાં બળ અને હિંમત આપે છે. તેમણે જણાવ્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હંમેશા આપણે સતત પ્રાર્થના કરતાં જોયા છે. તેઓ ઇંગ્લેન્ડની ધર્મયાત્રાએ ગયા હતા ત્યારે રાત્રિએ પણ સ્વામીશ્રી પ્રાર્થના કરતાં હતાં, એટલે સેવક સંતોએ કહ્યું કે ‘સ્વામીશ્રી આટલી મોડી રાત્રે પ્રાર્થના.’ ત્યારેપ્રમુખસ્વામી મહારાજે કહ્યું “દેશમાં વરસાદ નથી એટલે અમે પ્રાર્થના કરીએ છીએ.’ દરેકનાં જીવનમાં શાંતિ થાય અને ભગવાન સૌને સાચી દિશા સૂઝાડે એ માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ‘સર્વજીવ હિતાવહ’ પ્રાર્થના કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે BAPS સંચાલિત વિશ્વભરના 1200 થી વધુ કેન્દ્રો પર સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાર્થના અને ધૂન કરાવવાની આજ્ઞા કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગઈકાલે રવિવારના રોજ થતી રવિસભામાં વિશ્વભરના સેન્ટરોમાં શહીદોના પરિવાર જનોને ભગવાન શક્તિ આપે એ હેતુ સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી.