પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ ગાજી રશીદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો: સૂત્ર

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવાર મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક મેજર સહિત સેનાના 4 જવાન શહીદ થયા છે.…

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવાર મોડી રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક મેજર સહિત સેનાના 4 જવાન શહીદ થયા છે.

બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ

મળતા અહેવાલો મુજબ, આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાજી રશીદ ઠાર મરાયો છે.  જોકે, આ અહેવાલની હજુ ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ. અગાઉ સુરક્ષાદળોએ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી ગાજી રશીદને ઘેરી લીધો હતો. અહીં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે.

ગાજી રશીદ જૈશનો ટોપ કમાન્ડર હતો જે IED એક્સપર્ટ હતો. જૈશ-એ-મોહમ્મદનો હેડ મસૂદ અઝહર પોતાના ભત્રીજા દ્વારા કાશ્મીર ઘાટીમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. પરંતુ ગયા વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમિયાન સુરક્ષાદળોએ તેને ઠાર માર્યો હતો. ત્યારબાદથી જ મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી અબ્દુલ રશીદ ગાજીને આપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જ સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા અને અનેક અન્ય ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ સેના અને સુરક્ષાદળો એક્શનમાં છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. પાકિસ્તાની સંગઠન તરફથી હુમલાની જવાબદારી લીધા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે એકલું પાડવાના પ્રયાસો ઝડપી કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *