ઝારખંડમાં CRPFના 3 જવાનોએ નક્સલવાદી મહિલાને લોહી આપી બચાવ્યો જીવ

Published on: 5:24 am, Mon, 18 February 19

કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ હુમલો કરીને સીઆરપીએફના 40 જવાનનું લોહી રેડ્યું છે, જ્યારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં એક નક્સલવાદી મહિલાનો જીવ બચાવવા CRPFના ત્રણ જવાને જ લોહી આપ્યું હોવાનો પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. અહીંના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં 14મી ફેબ્રુઆરીએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક મહિલા પણ ઘાયલ થઈ હતી.

મહિલાનું શરીર લોહીથી લથબથ હાલતમાં મળ્યું હતું

આ અંગે માહિતી આપતા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ચંદન કુમાર ઝાએ કહ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે, ‘કન્દે હોન્હાગા’ નામના જૂથના એક કમાન્ડરની આગેવાનીમાં 24 નક્સલ કોઈ કાવતરું ઘડવા ભેગા થવાના છે. સુરક્ષાકર્મીઓએ આ જંગલ વિસ્તારને ઘેરી લઈને નક્સલોને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું, પરંતુ તેમણે સુરંગ વિસ્ફોટ કરીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા હતા.

આ દરમિયાન અનેક નક્સલો ભાગી ગયા હતા. ત્યાર પછી જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કરતા લોહીથી લથબથ એક મહિલા મળી આવી હતી. તેના ડાબા પગમાં ગોળી વાગી હોવાથી તે ભાગી શકી ન હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સીઆરપીએફ જવાનોએ ઈજાગ્રસ્ત મહિલાને સોનુઆ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડી હતી, અને બાદમાં તેને ચાઈબાસાની સદર હોસ્પિટલ લઈ જવાઈ હતી. એ પછી તબીબોએ તેને એમજીએમ હોસ્પિટલ લઈ જવાનું સૂચન કર્યું.

જવાનોએ લોહી આપી બચાવ્યો જીવ

મનીષ રમને કહ્યું હતું કે, મહિલાના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. જોકે, એએસઆઈ પંકજ શર્મા, હેડ કોન્સ્ટેબલ બિચિત્રકુમાર સ્વૈન અને કોન્સ્ટેબલ બીરબહાદુર યાદવે આ મહિલાને લોહી આપતા તેનો જીવ બચી ગયો હતો.

નોંધનીય છે કે, આ ઓપરેશનમાં જવાનોએ નક્સલોના કેમ્પમાં મોટા પાયે વિસ્ફોટક સામગ્રીનો નાશ કર્યો હતો, જ્યારે 57 કારતૂસ જપ્ત કર્યા હતા.