શહેરના દંતેશ્વર વિસ્તારની શ્રી સરસ્વતી વિદ્યાલયના બીજા માળેથી ધો.૯ની વિદ્યાર્થિનીએ કુદકો મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. શાળા ગીચ સોસાયટી વિસ્તારમાં આવેલી છે અને આ ઘટનાથી સોસાયટીના લોકો અને શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીના આત્મહત્યાના પ્રયાસ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે
આ ઘટનાની વિગતો એવી છે કે વિદ્યાર્થિની ડભોઇ રોડ પર રહે છે અને દંતેશ્વરની શ્રી સરસ્વતી વિદ્યાલયમાંમાં હિન્દી માધ્યમમાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે. આજે સવારે તે શાળાએ ગઇ હતી. તેનો ક્લાસરૃમ બીજા માળે છે અને ક્લાસરૃમની બાજુમાં ટેરેસ છે. રિશેષ પડતા તે ટેરેસ પર ગઇ હતી અને ત્યાંથી નીચે ઝંપલાવી દીધું હતું. તેનો પડવાનો આવાજ આવતા જ આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા આ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા.
બનાવની જાણ વિદ્યાર્થિનીના માતા-પિતાને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. વિદ્યાર્થિનીએ ટેરેસ પરથી કુદકો માર્યો ત્યારે તે બન્ને પગ પર જ નીચે પછડાઇ હોવાથી થાપાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેનો બચાવ થયો હતો જો ઉંધે માથે પટકાઇ હોત તો માથામાં ગંભીર ઇજાના કારણે તેનો જીવ જોખમ ઉભું થાત.
વિદ્યાર્થિની હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભયમુક્ત હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. બીજી તરફ પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે કે આપઘાતના પ્રયાસ પાછળ ખરેખર પ્રેમ પ્રકરણ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ.
સાથી વિદ્યાર્થિનીઓને તેણે કહ્યું હતું કે મારા ભાભીના ભાઇ સાથે મારે પ્રેમ સંબંધ બંધાયો છે.પ્રેમ સંબંધની જાણ થતાં ભાઇ ભાભી મારી નાખવાની ધમકી આપે છે એટેલ હું જાતે જ મરી જવાનું પસંદ કરીશ
આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે વાત કરતા તેમનું કહેવું હતું કે, ‘તે સવારે સ્કૂલમાં આવી ત્યારથી ટેન્શનમાં હતી. કારણ પુછતા તેણે એવુ કહ્યું હતુંં કે, મારા ભાભીના ભાઇ અને મારી વચ્ચે પ્રેમ સબંધ છે. આ વાતની જાણ ભાઇ-ભાભીને થઇ ગઇ છે અને તેઓે મને મારી નાખવાની તથા સ્કૂલમાં આવીને માર મારવાની ધમકી આપે છે. તેઓ મને મારી નાંખે તેના કરતા હું જાતે જ મરી જવાનું વધુ પસંદ કરૂં છું.’
થોડા સમય બાદ તેણે બાજુના ક્લાસમાંથી એક વિદ્યાર્થીનો ફોન લીધો હતો અને કોઇ વ્યક્તિ સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સામેનો ફોન સ્વિચ ઓફ આવતા તે આવેશમાં આવી ગઇ હતી અને તે પછી તે અમારા ક્લાસની બાજુમાં આવેલ ટેરેસ પર ગઇ હતી અને ત્યાંથી નીચે પડતું મુક્યું હતું.
આસપાસની સોસાયટીના લોકોનો આક્ષેપ સંચાલકોએ ટેરેસ પર બે ક્લાસરૂમ ગેરકાયદે ઊભા કરી દીધા ફાયર સેફ્ટીના સાધનો નથી, રમત-ગમતનું મેદાન પણ નથી છતાં સ્કૂલને મંજૂરી મળી ગઇ
શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં હિન્દી અને ગુજરાતી એમ બન્ને માધ્યમમાં શિક્ષણ થાય છે. ધોરણ-૧ થી ૧૨ સુધીના વર્ગો બે પાળીમાં ચાલે છે. શાળાના સંચાલકો દ્વારા ટેરેસ ઉપર બે વર્ગ ગેરકાયદ બનાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ આસપાસના રહિશોએ કર્યો છે. આ ઉપરાંત આ સ્કૂલમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા નથી. સ્કૂલ પાસે રમત-ગમત માટેનું પોતાનું મેદાન પણ નથી. સોસાયટીઓ વચ્ચે આવેલી સ્કૂલ સ્થાનિક લોકો માટે પણ માથાનો દુઃખાવો બની ગઇ છે. એવા આક્ષેપો પણ થયા હતા
આ ઘટના બાદ શાળાએ મોબાઇલ પર પ્રતિબંધ મુક્યો
શ્રી સરસ્વતી વિદ્યાલયના પ્રાયમરી વિભાગના પ્રિન્સીપાલ સુરેખાબહેને કહ્યું હતું કે, સવારે રિશેષ સમય દરમિયાન ધો.૯ની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ આવુ કેમ કર્યુ તે અંગે અમને જાણકારી નથી.વિદ્યાર્થીઓ,શિક્ષકો અને અન્ટ સ્ટાફને શાળામાં મોબાઇલ લાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.