વાંકાનેર(ગુજરાત): શ્રાવણ વદ નિમિતે રાતે વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાના મંદિરે આરતી યોજાઇ છે. ત્યારબાદ ત્યાં ભક્તોને જલેબી ભજીયાનો પ્રસાદ આપવામાં આવે છે. આ મેળો ત્રણ દિવસનો હોય છે. જો કે, આ વર્ષે હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મેળો બંધ રાખવામાં આવ્યો છે. પરંતુ રાતની મહા આરતીમાં વાંકાનેર અને આસપાસના ગામોમાંથી ભક્તોનું ટોળું ઉમટી પડ્યું છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાના વાંકાનેરમાં દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન નાગાબાવાના મંદિરમાં કરવામાં આવે છે. જ્યાં મહા આરતી બાદ ભક્તોને જલેબી અને ભજીયાનો પ્રસાદ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જોડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા. એટલું જ નહીં, વાંકાનેર વસ્યું તેમાં નાગાબાવાના આશીર્વાદ પણ છે.
એવું માનવામાં આવે છે કે, નાગાબાવા અને શાહબાવા વાંકાનેરમાં ગઢીયા ડુંગરમાં કુટીર બનાવી રહેતા હતા. ધાંગધ્રા સ્ટેટના 151 ઘોડેસવારો સાથે રાજકુમાર એક દિવસ ત્યાં આવ્યા હતા અને તેમની કુટિરમાં વિસામો લીધો હતો. ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડ્યા હતા. તેમણે પાણી પીવા માટે ચીપિયાનો જ્યાં ઘા કર્યો હતો, અને ચીપિયો જ્યાં પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બનાવવામાં આવ્યો હતો. જ્યાં બધાએ પાણી પીધું હતું. આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને આજે પણ મીઠું પાણી મળી રહે છે.
મોરબી કે વાંકાનેરના જ લોકો નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી ભજિયાનો મેળો માણવા માટે વાંકાનેર આવે છે. જે જગ્યાએ વષો પહેલા નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી. હાલમાં તે જગ્યાએ જ નાગાબાવાનું મંદિર આવેલું છે અને તે મંદિરના લાભાર્થે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આગાહી હોવાથી મેળાને બંધ રાખવામાં આવ્યો છે. આમ વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ પણ જોડાયેલો છે.
નોમના દિવસે નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હોવાથી આ દિવસે દર વર્ષે વાંકાનેરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી પછી હજારો લોકો મંદિરે ભજીયા અને જલેબીનો પ્રસાદ લેવા માટે આવે છે. જેના પાછળનું મુખ્ય કારણએ છે કે, તે સમયે નાગાબાવાએ રાજાને કોલ આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે. તેથી વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાનો લાભ લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.