ભાજપે ગુજરાતમાં 15 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર: 5 સાંસદોના કપાયા પત્તા- અમિત શાહ અને પાટીલ રિપીટ, જાણો કોને મળી ટિકિટ

Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપની પ્રથમ યાદીમાં દેશના 16 રાજ્યોની…

Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપની પ્રથમ યાદીમાં દેશના 16 રાજ્યોની 195 બેઠકના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી(Lok Sabha Election 2024) લડશે. જ્યારે ગુજરાતની 26માંથી 15 લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

જો ગુજરાતના ઉમેદવારોની વાત કરવામાં આવે તો, કચ્છ લોકસભા બેઠક પર વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી, પાટણ ભારતસિંહ ડાભી, ગાંધીનગર અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા, રાજકોટ પુરુષોત્તમ રુપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, જામનગર પૂનમ માડમ, આણંદ મિતેશ પટેલ, ખેડા દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, દાહોદ જશવંતસિંહ ભાભોર, ભરૂચ મનસુખ વસાવા, બારડોલી પ્રભુભાઈ વસાવા, નવસારી લોકસભા બેઠક પર સી.આર. પાટીલને ટિકિટ આપવામાં આવી છે.

અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે, 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ પણ સામેલ છે.

ગુજરાતની આ બેઠક પરના નામ જાહેર કરવામાં આવ્યા

પાટણ – ભરતસિંહ ડાભી

કચ્છ – વિનોદ ચાવડા (SC)

ગાંધીનગર -અમિત શાહ

અમદાવાદ પશ્રિમ – દિનેશ મકવાણા (SC)

બનાસકાંઠા – રેખા ચૌધરી

રાજકોટ- પરશોત્તમ રૂપાલા

પોરબંદર – મનસુખ માંડવિયા

જામનગર- પુનમ માડમ

આણંદ – મિતેશ રમેશ પટેલ

ખેડા- દેવુંસિંહ ચોંહાણ

પંચમહાલ- રાજપાલ જાદવ

દાહોદ – જશવંત સિંહ

ભરૂચ -મનસુખ વસાવા

બારડોલી- પ્રભુભાઈ વસાવા

નવસારી – સી આર પાટીલ

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રુપાલાનો કાર્યકાળ આગામી એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. જેમને રાજ્યસભામાં નવી ટર્મ માટે રિપિટેશન આપવામાં આવ્યું નથી. આથી આ બન્ને મંત્રીઓને આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચા થતી હતી. જેમાં મનસુખ માંડવિયાને ભાવનગર અને પુરુષોત્તમ રુપાલાને ભાવનગરથી લોકસભાની ટિકિટ આપવામાં આવશે તેમ કહેવાતું હતુ.