ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે, દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પર આમ આદમી પાર્ટીનું સંગઠન પહોંચી રહ્યું છે. હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, તમામ વર્ગમાંથી, તમામ વિસ્તારમાંથી, તમામ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલ સાથે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી એ ડોર ટુ ડોર કેમ્પેઇન હોય કે જન સંવાદ હોય કે ધરણા પ્રદર્શન હોય કે સોશિયલ મીડિયા કેમ્પેન હોય, આવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આમ આદમી પાર્ટી નો વિચાર એક એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. અને આ તમામ કાર્યક્રમના કારણે જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર વધી રહ્યો છે.
પછી ભલે એ પોલીસ કર્મચારી વર્ગ હોય, આંગણવાડીની બહેનો હોય, હોમગાર્ડ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલ ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે એક મોકો અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલજીએ પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ વાપરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલજી એવા પહેલા નેતા છે જે કામ કરવાની ગેરંટી આપે છે અને એવું જાહેરમાં કહેવાની હિંમત રાખે છે કે જો કામ પૂરું ન થાય તો બીજી વખત મત ના આપતા. અરવિંદ કેજરીવાલએ પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરંટીઓ આપેલી છે, જેમાં વીજળીને ગેરંટી છે, મહિલાઓની ગેરંટી છે, આદિવાસી સમાજની ગેરંટી છે, વેપારીઓની ગેરંટી છે, યુવાનો માટે રોજગારની ગેરંટી છે, શિક્ષા અને સ્વાસ્થની ગેરંટી છે, આ તમામ ગેરંટીઓ લોકોને આપી છે.
આ તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે,એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહા અભિયાન ચાલુ કરવાનું છે. જેણે અમે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ તરીકે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આવતીકાલે ખૂબ જ શુભ દિવસ છે આપણે ત્યાં પરંપરામાં મનાય છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણપતિની પ્રાર્થનાથી થાય તો એ કાર્ય સફળ થાય છે. એટલા માટે આવતીકાલે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે.
ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. તે રજીસ્ટ્રેશન ફોર્મ સાથે અમારા કાર્યકર્તાઓ એક એક ઘર સુધી જશે જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડ નો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને એની કઈ વિધાનસભા છે તેનું રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન ફોર્મની પાવતી ઉપરનો ભાગ અમારા કાર્યકર્તાઓ રાખી લેશે અને નીચેના ભાગમાં જે ગેરંટી કાર્ડ છે તે જનતાને સોંપી દેવામાં આવશે, એટલે કે પહેલા તબક્કામાં આ રજીસ્ટ્રેશન થશે અને સાથે સાથે દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ આપવામાં આવશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે.
આમ ગેરંટી કાર્ડ આપી એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે, આવી રીતે અરવિંદ કેજરીવાલએ ગુજરાત માટે જે વિઝન રજૂ કર્યું છે, ગુજરાતની જનતા માટે જે ગેરંટીઓ આપી છે, એ રજીસ્ટ્રેશનના સ્વરૂપમાં સર્ટિફિકેટના સ્વરૂપમાં અને ગેરંટી કાર્ડના સ્વરૂપમાં એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાનું ડોર ટુ ડોર કેમ્પેઇન આવતીકાલે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ગણપતિની પૂજા પ્રાર્થના કર્યા બાદ શરૂ થશે. અને ગુજરાતની જનતાને પણ વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે. ગુજરાતના એક એક ખૂણેથી અવાજ આવી રહ્યો છે કે એક મોકો અરવિંદ કેજરીવાલને આપવો છે અને ગુજરાતમાં બદલાવ લાવવો છે. આ વખતે હું ગુજરાતના તમામ લોકોને તમામ વર્ગને, તમામ વ્યક્તિઓને, કે આવો આપણે બધા સાથે મળીને એક જૂથ થઈને ગુજરાતની અંદર એક ક્રાંતિ લાવીએ, ઈમાનદાર સરકાર બનાવીએ, અરવિંદ કેજરીવાલની ગેરંટી ઘર ઘર સુધી પહોંચાડીને દરેક માણસનો સહયોગ મેળવીએ.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મીડિયા અને સંબોધતા જણાવ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે આખા ગુજરાત અને દેશની એક ઉમ્મીદ બની રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના 50 લાખ બેરોજગાર યુવાઓમાંથી મોટાભાગનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ગુજરાતના યુવાનોને એક ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં આમ આદમી પાર્ટીની ગેરંટી હશે કે ગુજરાતના દરેક યુવાનોને રોજગાર મળશે અને બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું મળશે તથા 10 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે.
આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોને ગેરંટી કાર્ડ આપી રહી છે, કોઈ ખોટા વચનો કે ગડબડ ગોટાળાવાળુ વચન નહીં. અને આ માટે 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે અને ડોર ટુ ડોર કેમ્પેઇન કરશે. 2 સપ્ટેમ્બરથી ચાલુ થતા આ કેમ્પેઇનને એક મહિના સુધી ચલાવવામાં આવશે અને ઉપરથી લઈને નીચે સુધી દરેક પ્રકારના સંગઠનો આ કેમ્પેઈનમાં ભાગ લેશે અને વધુમાં વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરશે. આ કેમ્પેઇન દરમિયાન અમે ગુજરાતના લોકોને ભરોસો અપાવીશું. અત્યાર સુધી લોકોએ પહેલા એક પાર્ટીને વોટ આપ્યો પછી બીજી પાર્ટીને વોટ આપ્યો પણ અત્યાર સુધી લોકોને કાંઈ મળ્યું નથી, મળ્યા છે તો ફક્ત જ્ઞાતિના આગેવાનો જે આ પાર્ટીઓમાં બેઠા છે. પણ જો હવે લોકો આમ આદમી પાર્ટીને વોટ આપશે તો સરકાર બન્યાના ફક્ત ત્રણ મહિના બાદ જ તેમનું લાઈટ બિલ શૂન્ય આવવાનું ચાલુ થઈ જશે. આવી રીતે અરવિંદ કેજરીવાલજીને વોટ આપવાથી ગુજરાતની જનતાને તેમના ટેક્સનું પૂરેપૂરું વળતર આપવામાં આવશે એના ગેરંટી કાર્ડ આ મહિને ગુજરાતના ઘરે ઘરે જઈને અમે આપીશું. આ કોઈ મફતની સુવિધા નથી પણ પ્રજાના ટેક્સના પૈસેથી જ પ્રજાને સુવિધા આપવાનું કામ કરવામાં આવશે અને આ જ કામ સરકારનું હોય છે.
આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કમલમના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરે છે. ભાજપના લોકોને કમલમ બનાવવા માટે ફંડ મળી જાય છે પણ પ્રજાની સુવિધા માટે સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવા માટે તેમને ફંડ નથી મળતું. ગુજરાતની પ્રજા ખૂબ જ સમજદાર છે એટલે હવે આ પ્રજાને કોઈ ભરમાવી શકશે નહીં. આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.