ચૂંટણી પહેલા AAP ના ઉમેદવારનું અપહરણ કરીને ભાજપ લોકશાહીનું ચીરહરણ કરી રહી છે: આપ નેતા સંજય સિંહ

ગુજરાત(Gujarat Election 2022): સંજય સિંહે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ એટલી દયનીય હાલતમાં પહોંચી ગઈ છે કે, ચૂંટણી પહેલા ઉમેદવારોના અપહરણ કરાવી રહી છે. આમ આદમી…

ગુજરાત(Gujarat Election 2022): સંજય સિંહે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ એટલી દયનીય હાલતમાં પહોંચી ગઈ છે કે, ચૂંટણી પહેલા ઉમેદવારોના અપહરણ કરાવી રહી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપ એટલી દયનીય હાલતમાં પહોંચી ગઈ છે કે તે ચૂંટણી પહેલા ઉમેદવારનું અપહરણ કરવા પર ઉતરી આવી છે. ચૂંટણી પહેલા પોતાની હાર માની ચુકી છે, ચૂંટણી પહેલા લોકશાહીનું ગળું દબાવવા પર ઉતરી આવી છે.

સુરત પૂર્વ વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કંચન જરીવાલાને પસંદ કર્યા હતા. તેઓ પહેલેથી જ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા અને ગઈકાલે ભાજપના કેટલાક ગુંડાઓ અને બદમાશો તેમને રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં લઈ ગયા અને કંચન જરીવાલાનું નોમિનેશન રદ કરાવવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમનું નોમિનેશન કેન્સલ ન થયું ત્યારે કંચન જરીવાલાનું અપહરણ કરીને તેમને લઈ ગયા છે. ભાજપ અલગ-અલગ રાજ્યોમાં સરકારને ઉથલાવી પાડવા માટે ધારાસભ્યોનું અપહરણ કરે છે,

ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ હોય કે પછી મહારાષ્ટ્ર. ગુજરાતમાં લોકશાહીનું ગળું દબાવીને ચૂંટણી પ્રક્રિયાની મજાક ઉડાવીને ભારતીય ચૂંટણી પંચને પડકાર ફેંકતા ભાજપે આપના ઉમેદવારનું અપહરણ કર્યું. અમારો ઉમેદવાર ગઈકાલથી ગુમ છે. આજે અમારો આખો પક્ષ ચિંતિત છે, લીડરશીપ ચિંતિત છે, સુરતનું સંગઠન ચિંતિત છે અને ગોપાલ ઈટાલીયા, મનોજ સોરઠીયા સહિત દરેકને ચિંતા છે કે અમારો ઉમેદવાર ક્યાં છે? તેમના ઘરે તાળું મારેલું છે.

હું ભાજપને કહેવા માંગુ છું કે જો તમારે ચૂંટણી લડવી હોય તો ચૂંટણી લડો અને તમારી 27 વર્ષની ઉપલબ્ધિઓ જણાવો. જેમ કે અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે તેઓ કેવી રીતે 300 યુનિટ મફત વીજળી આપશે, તેઓ કેવી રીતે ₹ 3000 બેરોજગારી ભથ્થું આપશે, તેઓ કેવી રીતે ગુજરાતની વ્યવસ્થાને ઠીક કરશે. અમારા મુખ્યમંત્રી પદના દાવેદાર ઇસુદાન ગઢવી કહી રહ્યા છે કે તેઓ કેવી રીતે ખેડૂતો, યુવાનો, માતાઓ અને બહેનોના પ્રશ્નો હલ કરશે.

અને બીજી તરફ ભાજપ અમારા ઉમેદવારનું અપહરણ કરી રહી છે. આ કેવા પ્રકારની ચૂંટણી છે? હું ભારતના ચૂંટણી પંચ અને ગુજરાતના વહીવટીતંત્રને વિનંતી કરીશ કે, તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરે અને કંચન જરીવાલાને ચૂંટણી લડવાની પ્રક્રિયામાંથી અટકાવાવામાં ના આવે અને તેમના નામાંકનને રદ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેને રોકવામાં આવે. હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ભાજપને આ ઘટના સાથે કઈ રીતે લેવાદેવા છે. આ સમગ્ર મામલે હવે હું ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈશ.

મારી સાથે ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આવશે. આ પછી સંજય સિંહએ કેટલાક ફોટા અને વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, જે દાઢીવાળો વ્યક્તિ છે તે કંચન જરીવાલાને લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસ જઈ રહ્યો છે, તે વ્યક્તિ અગાઉ રવિ નામના ભાજપ નેતા સાથે જોવા મળ્યો છે અને રવિ નામના ભાજપના નેતાના ફોટો પણ છે જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી પૂર્ણેશ મોદી સાથે જોવા મળ્યો છે.

મુખ્યમંત્રી અને મંત્રી સાથે આટલી નજીક હોવાનો અર્થ એ છે કે રવિ નામનો વ્યક્તિ ભાજપમાં એક મહત્વના નેતા તરીકે કામ કરી રહ્યો હશે. હું સમજું છું કે, ચૂંટણીની પ્રક્રિયાને પૂરી કરવા માટે સૌથી મોટા અધિકારી છે મુખ્ય ચૂંટણી અધિકારી. અમે તેમની સાથે ફોન પર પણ વાત કરી છે. અમે બધા આખી રાત હેરાન રહ્યા, અમે અમારા ઉમેદવારને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે તમામ રસ્તાઓ બંધ થઇ ગયા ત્યારે અમે રાત્રે જ CEO સાહેબને ફોન પર તમામ માહિતી આપી હતી, તેમણે અમને આશ્વાસન પણ આપ્યું કે અમે આ અંગે કાર્યવાહી કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *