નક્સલી હુમલામાં શહિદ થયેલા 16 જવાનોને શોકાંજલિ આપવાને બદલે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડ્યા…

Published on: 8:11 am, Fri, 3 May 19

થોડાજ કલાક પહેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ કરેલા IED વિસ્ફોટમાં ૧૬ જવાનો શહીદ થયા હતા. આ કમકમાટીભરી ઘટનાને પગલે દેશમાં ફરી એક વાર શોકનું મોજું છવાયું છે ત્યાં ગુજરાત ભાજપે ગુરૂવારે ગુજરાતના તમામ જિલ્લા મથકોએ મસૂદ અઝહરને યુનોએ વૈશ્વિક આંતકી જાહેર કર્યો તેની ખુશીમાં ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.

ભાજપના આ કાર્યક્રમને લઈ કેટલાક આગેવાનો ભાજપથી જ નારાજ થયા છે એને એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, ૧૬ જવાનો શહીદ થયા હોય તેવા દુઃખદ સમયે ફટાકડા ફોડવા ના જોઈએ. ગુજરાતના ભાજપના નેતાઓએ જિલ્લાના કાર્યક્રમોમાં કમનસીબે શહાદત વ્હોરનારા જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી નહોતી તેમ ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રીય સંઘે મસૂદ અઝહરને આંતરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે. આમાં અનેક તજજ્ઞાો ભારતના રાજદ્વારી પ્રયાસોને સફળતા મળી હોવાનું પણ ગણાવી રહ્યા છે આ ઉપરાંત આતંકવાદ સામેની લડાઈને વૈશ્વિક મહોર લાગી છે એની ખુશી જરૂર હોઈ શકે પરંતુ તેવા જ સમયે જ્યારે નકસલી હુમલામાં ૧૬ જવાનો શહીદ થયા હોય ત્યારે ભાજપ રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર ફટાકડા ફોડીને ઉજવણી કરે તે તો બેશરમીની હદ વટાવી દીધી હોય તેવું છે. આવો સૂર ભાજપમાં જ વ્યક્ત થઈ રહ્યો છે.

ભાજપના આગેવાનો અંદરો અંદર કહે છે કે, દેશમાં દુઃખ હોય તેવા નાજુક સમયે ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવવાનો વિચાર ગુજરાત ભાજપના કયા નેતાના મગજની ઉપજ છે. આમાં તો જનતા સમક્ષ ગુજરાત ભાજપની નાલેશી જેવું દેખાય છે, નાજૂક સમયે લોકો ફિટકાર વરસાવે તેવા કાર્યક્રમનો વિચાર રજૂ કરનારા ભાજપના જે તે નેતા સામે પગલાં ભરવા જોઈએ તેવી પણ લાગણી વ્યક્ત થઈ રહી છે.

આમ તો ભાજપના નેતાઓ નાની-અમથી ઘટનાઓમાં દુઃખ વ્યક્ત કરવા મીણબત્તીઓ લઈને નીકળી પડતાં હોય છે, તથા આવી ઘટનાઓને વખોડી નાખતા નિવેદનો કરવામાં પણ અતિ ઉત્સાહિ દેખાતાં હોય છે. પણ આ વખતે મસૂદ એહમદને આતંકી જાહેર કર્યો તેના ઉત્સાહના અતિરેકમાં શહીદ જવાનો માટે શોક પણ વ્યક્ત કરાયો ન હતો. જિલ્લા મથકોએ એકેય શોક સભા જેવું કંઈ નજરે પડયું નહતું. નેતાઓએ સોશિયલ મીડિયા ઉપર ટ્વિટ કરી, શ્રદ્ધાંજલિ પાઠવીને સંતોષ માન્યો હતો.