ગુજરાતની રાજનીતિમાં હડકંપ: ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષને સી.આર.પાટીલે કર્યા સસ્પેન્ડ, જાણો વિગતે

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે તમામ પક્ષોએ પોતાની તૈયારી કરી દીધી છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ(Lok Sabha Elections 2024) કરવામાં આવ્યાં છે. ભાજપ કેન્દ્રિય નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી ડોક્ટર જયોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જો કે, તેમન સસ્પેન્ડ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જન્મ મળ્યું નથી.

જ્યોતિબેન પંડ્યાએ નારાજગી વ્યક્ત કરી
જણાવી દઈએ કે, ગુજરાતમાં અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપના મોટા મહિલા નેતા જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, પાર્ટી દ્વારા આ સસ્પેન્ડ માટે કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી પણ પ્રેસ રિલીઝ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જ્યોતિ પંડ્યા વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. આ બાદ, તેઓ પ્રવક્તા પણ રહી ચુક્યા છે. ત્યારે હાલમાં તેઓ રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષના હોદા પર કામ કરી રહ્યા હતા.

રંજનબહેન ભટ્ટનું નામ જાહેર થતાં સૌકોઇ ચોંકી ઉઠ્યા
ઉલ્લેખનિય છે કે, વડોદરા લોકસભા બેઠક માટે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને માજી મેયર ડો. જ્યોતિબહેન પંડ્યા સહિત અનેક હોદ્દેદારોએ દાવેદારી કરી હતી. શહેર ભાજપમાં પણ ચર્ચા ચાલી રહી હતી કે, સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ નહીં કરે અને પાર્ટી દ્વારા નવો ચહેરો આપવામાં આવશે. ભાજપની ગુજરાતની જાહેર થયેલી પ્રથમ યાદીમાં રંજનબહેન ભટ્ટનું નામ જાહેર ન થતાં, શહેર ભાજપમાં અને રાજકીય પંડિતોએ પણ અનુમાન લગાવી લીધું હતું કે, રંજનબહેન ભટ્ટ રિપીટ નહિં થાય, પરંતુ બુધવારે સાંજે જાહેર થયેલી બીજી યાદીમાં રંજનબહેન ભટ્ટનું નામ જાહેર થતાં સૌકોઇ ચોંકી ઉઠ્યા હતા.

આજે અન્ય બે કોર્પોરેટરને પણ સસ્પેન્ડ કરવામાં આવી
ઉલ્લેખનિય છે કે, રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાનાં ડ્રોમાં મોટું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. જેમાં વોર્ડ નં. 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેન જાદવનાં પતિ દ્વારા પત્નીનાં પદનો ફાયદો લઈ મળતિયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર મામલે મ્યુનિ. કમિશનરે એક તપાસ સમિતિની રચના કરી હતી. જેના રિપોર્ટમાં બંને કસૂરવાર હોવાનું ખુલતા ભાજપે 48 કલાકની નોટિસ આપી હતી. જેમાં બંને કોર્પોરેટરોએ રજૂ કરેલા બચાવને ફગાવી દઈ હાલ 6 વર્ષ માટે બંનેને ભાજપનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.