ગુજરાત(Gujarat): ગઈ કાલના રોજ ધોરણ 10ના હિન્દી(10th Hindi Paper Leaked)ના પેપર ફૂટવાની ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દાહોદ(Dahod)ના સંજેલી(Sanjeli) ગામમાંથી પેપર વાયરલ(Paper viral) થયુ હોવાનો મોટો ખુલાસો થયો છે. પેપર વાયરલ થવા અંગે દાહોદ પોલીસ દ્વારા 5 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાંથી પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જોકે, પેપર વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધોરણ 10નું હિન્દીનું પેપર વાયરલ થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોર ચલાવી રહેલા યુવકનું નામ બહાર આવ્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજેલીના ઘનશ્યામ ચારેલના આઈડી પરથી પેપર લીક થયુ હોવાનું જાણવા મળ્યું છે. જેને કારણે દાહોદ પોલીસ સંજેલી પહોંચી ગઈ હતી અને ઘનશ્યામની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટો ખુલાસો થયો કે, ઘનશ્યામ નામના વ્યક્તિ દ્વારા ફેસબુક પર પેપર વાયરલ કરવામાં આવ્યું હતું.
ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિને સુરેશ ડામોર દ્વારા પેપર મોકલવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું છે કે, સુરેશ ડામોરનો પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરે છે. જેને લીધે સુરેશ ડામોરે પેપર માટે શૈલેષનો સંપર્ક કર્યો હતો. આ શૈલેષ પટેલ સંજેલીની વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક હોવાનું સામે આવ્યું છે. શૈલેષ અને સુરેશનો સંપર્ક અમિત તાવિયાડ નામના વ્યક્તિએ કરાવ્યો હતો. અમત તાવિયાડ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને શૈલેષના ઓળખીતા હોવાનું બહાર આવ્યું છે. સંપર્ક કર્યા પછી અમિત દ્વારા સુરેશને 10.47 એ પેપર જવાબ સાથે મોકલવામાં આવ્યું હતું. જેથી સુરેશે પેપરની પ્રિન્ટ કાઢવા માટે મિત્ર જયેશ ડામોરને ઘરે બોલાવ્યો હતો. જયેશ ડામોરે પેપરની પ્રિન્ટ કાઢવા માટે ઘનશ્યામને પેપર મોકલ્યું હતું. જેથી ઘનશ્યામે પેપરની પ્રિન્ટ કાઢી હતી અને ફેસબુક પર વાયરલ કરી દીધું હતું. ત્યારે દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમિતે પેપર ક્યાંથી કાઢ્યું?
ઘનશ્યામ ડામોર દ્વારા જે પેપર ફેસબુક પર વાયરલ કરવામાં આવ્યું હતું એ અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું અને આ પેપર પર જવાબો લખેલા હતા. સૌથી પહેલા આ પેપર અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું. ત્યારે અમિત તાવિયાડ પાસે પેપર ક્યાંથી આવ્યુ તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે.
શિક્ષણ વિભાગે પેપર ન ફૂટ્યું હોવાનું કહ્યું હતું:
અત્રે ઉલ્લેખનીય છે કે, પેપર જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આને પેપર ફૂટ્યું તેમ ન કહી શકાય. આમ, શિક્ષણ વિભાગ દ્વારા પહેલા તો પેપર ફૂટવાની વાતને નકારી હતી અને બાદમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પરીક્ષા પૂરી થાય તેની 30 મિનિટ અગાઉ પેપર થયું વાયરલ:
પેપર પૂરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થયું હતું. મહત્વની વાત તો એ છે કે, આ પેપર હાથે સોલ્વ કરવામાં આવ્યું હતુ. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ કરવામાં આવ્યું હતું. જેથી પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું હતું. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.