સુરત(Surat): શહેરની અઠવા સબ રજીસ્ટ્રાર કચેરી(Athwa Sub-Registrar’s Office)માં ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના 60 વર્ષ પહેલા નોંધાયેલા દસ્તાવેજોના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજો ગાયબ કરી બનાવટી એટલે કે બોગસ દસ્તાવેજો(Bogus documents)ની એન્ટ્રી કરવા બાબતે મોટું કૌભાંડ(Scam) સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે.
સુરતની અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. 1143, 1144, 1889, 1890 અને 1897 ના દસ્તાવેજના રેકોર્ડમાં કંઇક ખોટું થયું હોવાની શંકા વ્યકત કરતી અરજી એક અરજદાર દ્વારા ગાંધીનગર સ્થિત સર નિરીક્ષક કચેરીને કરવામાં આવી હતી. પરંતુ નવાઈની બાબત એ હતી કે, અરજદારે અરજી સાથે દસ્તાવેજની જે નકલ રજૂ કરવામાં આવી હતી તેમાં અને ગાંધીનગર સર નિરીક્ષકની કચેરીમાં નોંધવામાં આવેલ દસ્તાવેજમાં ફેરફાર જોવા મળ્યો હતો.
બંને કચેરીના વોલ્યુમમાં વિસંગતતા જોવા મળતા આખું કૌભાંડ બહાર આવ્યું:
જેથી સર નિરીક્ષક કચેરી દ્વારા અઠવા સબ રજીસ્ટ્રાર કચેરી પાસે નકલ મંગાવવામાં આવતા દસ્તાવેજના વોલ્યુમમાં ફોટો નકલની પેજની જાડાઇ વધુ જોવા મળી હતી અને પક્ષકારોના નામો પણ જુદા જોવા મળ્યા હતા અને તે અંગેની મામલતદાર કે સિટી સર્વેમાં આજ દિન સુધી એન્ટ્રી પાડવામાં આવી ના હતી. આ બાબત પરથી સામે આવ્યું કે, અજાણ્યા ભેજાબાજોએ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ઓરીજનલ રેકોર્ડનો નાશ કરી તેના બદલે બોગસ દસ્તાવેજનો ખરાઈ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અઠવા સબ રજીસ્ટર અને ગાંધીનગરની કચેરીના વોલ્યુમ મિસમેચ થતા કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે હવે આ કૌભાંડ અંગે અઠવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.